WHO અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ટ્રેડિશનલ મેડિસિન પરની ગ્લોબલ સમિટનો આજથી ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે.રાજ્યમાં આજે 17 થી 19 ઓગસ્ટ દરમિયાન G-20 અંતર્ગત હેલ્થ વર્કિંગ ગૃપની બેઠક મળી છે.જેમાં વિવિધ દેશના આરોગ્ય મંત્રી,ડેલીગેશન અને વૈશ્વિક નામાંકિત સંસ્થાઓના અગ્રણી ગુજરાતમાં આયોજિત આ બેઠકમાં સહભાગી બન્યા છે.
ગતરોજ 16 ઓગસ્ટે WHOના ડાયરેક્ટર જનરલ ડૉ.ટેડ્રોસ અધનોમે ગાંધીનગરના આદરજ મોટી ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં WHO સાઉથ ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડૉ.પુનમ,ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ જોડાયા હતા.
ડૉ.ટેડ્રોસે આદરજ મોટી HWCની મુલાકાત લઈને કેન્દ્રમાં ઉપલબ્ધ સેવા-સુવિધાની વિગતવાર માહિતી મેળવી હતી.કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મિશનની ડૉ.ટ્રેડોસે પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું કે,WHO પણ ગ્રામીણ સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે તેવામાં ભારત સરકારની ગ્રામીણ સ્તરે HWCની પહેલ પ્રશંસનીય છે.કોઈ પણ આરોગ્ય માળખાને મજબૂત બનાવવા પ્રાથમિક આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ મહત્વનું છે.ભારત સરકાર જેમાં સરાહનીય કામગીરી કરી રહી છે.
ભારત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતા મહત્વના બ્લડ ટેસ્ટ અને નિદાન લોકોને મોટી બિમારીના ઝડપી નિદાન ઉપલબ્ધ કરાવે છે.વિશ્વના ઘણા દેશોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લગતી સેવાઓમાં ઘણું ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.ભારત દેશ આયુષ્માન ભારત અંતર્ગત દેશના દરેક રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરી છે જે આજે મોટી આદરજ હેલ્થ સેન્ટરમાં રૂબરૂ વિગતવાર જોયું છે,તેમ તેમણે ઉમેર્યું હતું.
HWCમા ઉપલબ્ધ ટેલીકન્સલટેશન સુવિધાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે,દૂર સુદૂર અને રીમોટ વિસ્તારમાં રહેતા દર્દીઓને ઘરે બેઠા નિષ્ણાત તબીબી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ખરેખર સરાહનીય છે.જે સમય અને નાણાં બન્નેની બચત કરે છે.
ડૉ.ટ્રેડ્રોસે HWC માં ટેલીકન્સલટેશન,આભા જનરેશન,બિન ચેપી રોગ સ્ક્રીનીંગ,હેલ્થ મેળા,PMJAY- મા એનરોલમેન્ટ કામગીરી રૂબરૂ નિહાળી હતી તેમજ HWC કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.