ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.લગભગ 25 વર્ષથી વધુ સમયથી તે સત્તામાં છે.તેમા પણ છેલ્લે વર્ષ 2022મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી.આ ચૂંટણીમાં ભાજપે પોતાનો જ રેકોર્ડ બ્રેક કરી 182 માથી 156 બેઠકો પર જીત મેળવી હતી.ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની આ ચૂંટણીમાં રૂપિયા 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો પણ થયો છે.આ માહિતી પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે.ચૂંટણી પંચ દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.ગુજરાત ચૂંટણી પરના 15 જુલાઈએ પાર્ટી દ્વારા રજૂ કરેલા મુખ્ય ચૂંટણી ખર્ચના અહેવાલ મુજબ પ્રચાર અને ઉમેદવારોના ભંડોળ પર રૂપિયા 209.97 કરોડનો ખર્ચ કર્યો હતો.આ ખર્ચમાં પાર્ટીએ ચૂંટણી લડતા ઉમેદવારોને આશરે રૂપિયા 41 કરોડ ચૂકવ્યા હતા અને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના ઉપયોગ સહિત મુસાફરી ખર્ચમાં રૂપિયા 15 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.પાર્ટીએ સામાન્ય પ્રચાર પાછળ 160.62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.