ગુજરાતી પ્રજાના આદ્યાત્મિક ઊર્જાના કેન્દ્રબિંદુ એવા યાત્રાધામો સૌર-ઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા અંદાજે 15,891 કિલોવોટ સૌર-ઊર્જાનું ઉત્પાદન થયું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2017-18માં મહત્વના યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો શુભારંભ થયો હતો.જે અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં 349 ધાર્મિક સ્થળો પર રૂ.16.22 કરોડના ખર્ચે સોલાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી.જેના પરિણામે યાત્રાધામોમાં અંદાજે રૂ.21 કરોડ 60 લાખ અને 7 હજારની વીજબચત થઈ છે.
મહત્વની બાબત એ છે કે આ સોલાર-ઊર્જાના પગલે યાત્રાધામોમાં પારંપારિક ઉત્સવોમાં વપરાતી વીજળી નિશુલ્ક પ્રાપ્ત થઈ રહી છે.
આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે જણાવ્યુ કે “સોલાર રૂફટોપ સિસ્ટમના કારણે 349 યાત્રાધામોને સૂર્ય-ઉર્જા મળે છે.તેનો ખર્ચ ઝીરો થઈ ગયો છે.વળી વીજળીના વપરાશ બાદ બચેલી વીજળી સરકારને વેચી આવક પણ પ્રાપ્ત થાય છે.
”
યોજનાના અમલીકરણ અંગેની વિગતો આપતા રાવલે ઉમેર્યુ કે યાત્રાધામ સોલાર રૂફટોપ યોજનામાં સરકાર હસ્તકના યાત્રાધામોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે,જ્યારે ખાનગી ટ્રસ્ટ સંચાલિત યાત્રાધામોમાં 70 ટકા ખર્ચ સરકાર અને 30 ટકા ખર્ચ ખાનગી ટ્રસ્ટ કરે છે.
રાજ્યના 13 યાત્રાધામો ખાતે વીજ-બચત માટે રૂ.211.47લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યનાં વિવિધ યાત્રાધામો ખાતે વીજળીકરણની કામગીરી અંતર્ગત સોલાર રૂફટૉપ સિસ્ટમની સુવિધા, વીજ બચત કરતાં ઉપકરણો મૂકવાની કામગીરી, પીવાનાં પાણીની સુવિધા તથા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે હાઇડ્રોલિક લિફ્ટની સુવિધા પણ વિકસાવી છે.
આ સંદર્ભે રાજ્યનાં કુલ 56 યાત્રાધામો ખાતે રૂ.209.11 લાખના ખર્ચે વીજળીકરણની કામગીરી કરવામાં આવી છે.
વિવિધ યાત્રાધામોમાં સુવિધાઓના વિકાસ સંદર્ભે વાત કરીએ તો અંબાજી સ્થિત આરાસુરી અંબાજી મંદિર, ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર,કચ્છ સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિર,વાંસદા સ્થિત ઉનાઈ માતાજી મંદિર સહિતના યાત્રાધામોમાં રૂ.79.47 લાખના ખર્ચે પાંચ હાઈડ્રોલિક લિફ્ટનું નિર્માણ કરાયું છે.