સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ,સસ્ટનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ” વોટર સિક્યુરિટી ફોર એગ્રીકલચર” એટલે કે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીનગર ખાતેથી કૃષિમંત્રી રાઘવજી પટેલ આ સેમિનારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.રાઘવજી પટેલે સેમિનારનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે,કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન માટેની પ્રાથમિક જરૂરિયાત જમીનમાં ભેજનું પ્રમાણ છે. આ ભેજ વરસાદ કુદરતી રીતે આપે છે,જ્યારે સિંચાઇ વ્યવસ્થા તેમાં પૂરક રહે છે.ખેતી અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવી તે માટેના વિવિધ પાસાઓને આવરી લઇ આગોતરું અને આયોજનબદ્ધ કામ કરવું તે અત્યારના સમયની માંગ છે,જેથી આ વિષય પર ચર્ચાઓ થવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.