મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય,પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ ૩ હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે.
આ ઉપરાંત સહાય મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા પણ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.આવી સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે.સમસ્ત મહાજન દ્વારા રાજ્યની ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે રૂ.2.51 કરોડની સહાયના ચેક અર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમારોહમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે,જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનભાગીદારી-PPP ના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,દરેક યોજનામાં જન-જન કઈ રીતે જોડાય તેનો સફળ આયામ વડાપ્રધાન મોદીઅ આદર્યો છે.નાણામંત્રી કનુભાઈ દેસાઈ,કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભાના ઉપદંડક જગદીશ મકવાણા સહિત સમગ્ર રાજ્યની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો આ ગૌરવશાળી સમારોહના સાક્ષી બન્યાં હતા.
મુખ્યમંત્રીએ અબોલ પશુઓની સારસંભાળ અને રખરખાવ કરતી આવી સેવા સંસ્થાઓના સારા કાર્યોમાં સરકાર યોગ્ય મદદ-સહાયથી પડખે ઊભી રહેવા તત્પર છે તેવા વિશ્વાસ આપ્યો હતો. તેમણે ઉમેર્યુ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય સુધારવા પ્રાકૃતિક ખેતીથી બેક ટુ બેઝિકનું આગવું વિઝન આપ્યું છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતરથી ઉત્પન્ન થતાં અનાજથી મુક્તિ સાથોસાથ પશુધનની પણ સારી રીતે માવજત થઈ શકશે.
વડાપ્રધાન મોદીએ રોજબરોજની જીવનશૈલીમાં પણ પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે મિશન લાઈફનો વિચાર આપ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ મહાજનોને જીવદયાના તેમના સેવાકાર્ય સાથે પાણી બચાવવું,વીજળીનો કરકરસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ વડાપ્રધાને જિેલ્લે-જિલ્લે 75 અમૃત સરોવર બનાવવા આપેલા આહવાનમાં પણ સહભાગી થવા અનુરોધ કર્યો હતો.દેશના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત આવા કાર્યોથી અગ્રેસર રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગૌશાળા-પાંજરાપોળોને સમયસર સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.તેમણે ભગવાન મહાવીર સ્વામીના ‘જીવો અને જીવવા દો’ના સૂત્રને પશુઓની નિભાવણી દ્વારા ગૌશાળા-પાંજરાપોળો આત્મસાત કરે છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં ગૌવંશ માટે રૂ.500 કરોડના પ્રાવધાન સાથે શરૂ કરાયેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને સહાયના ચેક અર્પણ કરવા ઉપરાંત રાજસ્થાનની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું જીવદયાના આ અદકેરા કાર્ય માટે સન્માન કર્યું હતું.