ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે,જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’અમલમાં મૂકવામાં આવી હતી.આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ 30 જૂન,2023 સુધીમાં કુલ 2.80,906 લાભાર્થી બાળકોને રૂ.159.63 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
ગત વર્ષ 2022-23-દરમિયાન જ રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક પરિવારના 50,299 બાળકોને રૂ.42.45કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ હેઠળ શિક્ષણ સહાય યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ શ્રમિક પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઇ અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોને રૂ. 1800, ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને રૂ. 2400, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને રૂ. 8000,ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને રૂ.10,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ ઉપરાંત ધોરણ 12 પછીના બી.એ,બી.કોમ.,બી.બી.એ.,બી.એસ.સી.,બી.સી.એ.,એલ.એલ.બી.જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. 10.000ની સહાય આપવામાં આવે છે.
વધુમાં, સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે એમ.એ.,એમ.કોમ., એમ.એસ.સી.,એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ.15,000,જ્યારે એમ.સી.એ. અને એમ.બી.એ.જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ સિવાય ધોરણ-10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. 25,000 સહાય આપવામાં આવે છે.
એટલું જ નહિ, એમ.બી.બી.એસ.,એમ.ડી.અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ.25,000 અને મહત્તમ રૂ.બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે.આ ઉપરાંત ફાર્મસી,એગ્રીકલ્ચર,આયુર્વેદ,હોમીયોપેથી,નર્સિંગ,ફીઝીયોથેરાપી,પેરા-મેડીકલ,આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. 25,000 અને મહત્તમ રૂ. 50,000સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના બાળકોના કારકિર્દી ઘડતર માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’માં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જે વિદ્યાર્થીઓને અન્ય વિભાગોની શિષ્યવૃત્તિની સહાય મળતી હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.