ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થિત વેરાકુઈ અને બોરીયા ગામમાં 15 પશુ મરણ થયું હોવાના સમાચારને મળ્યા હતા.આ સમાચારને ગંભીરતાપૂર્વક લઇ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પશુપાલન અને ડેરી સંઘની સંયુક્ત ટીમે સ્થળ મુલાકાત લઈ વિગતો મેળવી હતી.તેમણે કહ્યું કે,વેરાકુઇ ગામની મુલાકાત દરમિયાન પશુમાલિકોના જણાવ્યા મુજબ બે મોટા પશુઓના મૃત્યુ તાજા વિયાણની નબળાઇ અને આફરો થવાથી થયું હતું.
લમ્પી રોગના પરિણામે ગામમાં કોઈપણ પશુ મૃત્યુ થયું નથી.વેરાકુઇ ગામની તમામ ગાયોમાં 10 દિવસ પહેલાં જ લમ્પી સ્કિન રોગના અટકાવ અર્થે રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.ગામમાં વધુ સર્વે કરતા અત્યાર સુધી 15 જેટલા નાના પશુઓમાં લમ્પી રોગનાં પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા છે.આ તમામ પશુઓને તાત્કાલિક ધોરણે આઇસોલેટ કરી સારવાર કરવામાં આવી છે,અને ઝડપથી તમામ પશુઓ સ્વસ્થ થઇ રહ્યા છે.
બોરીયા ગામની વિગતો આપતા જણાવ્યું કે,મુલાકાત સર્વેની કામગીરી કરતાં બોરીયા ગામે એક વાછરડીનો શંકાસ્પદ કેસ જણાતાં સારવાર કરવામાં આવી છે અને હજુ સુધી એક પણ પશુ મરણ નોંધાયું નથી. બોરીયા ગામમાં 500 જેટલી ગાયમાં રસીકરણ કરવાની કામગીરી ચાલુ છે,જે સત્વરે પૂર્ણ થશે ત્યારબાદ હજુ સુધી કોઈ નવો કેસ પણ જોવા મળ્યો નથી.
કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વેરાકુઇ અને બોરીયા ગામોમાં પશુ ચિકિત્સકોની કુલ 4 ટીમો કાર્યરત કરી,સઘન સર્વેલન્સ,સારવાર,રસીકરણ અને જનજાગૃતિ સહિત મોનીટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત અસરગ્રસ્ત શંકાસ્પદ પશુઓની આસપાસના પશુ રહેણાંકી વિસ્તારમાં જંતુનાશક દવા છંટકાવ,સાફસફાઇ કરવા બાબતે પશુપાલકોને વિસ્તૃત સમજુતી આપવામાં આવી રહી છે.સાથો સાથ માંગરોળ તાલુકાના અન્ય 7500 જેટલા અને સુરત જિલ્લાના કુલ 27,000થી વધુ ગાય વર્ગના પશુઓમાં લમ્પી રોગ સામે રક્ષણ માટે રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાઘવજી પટેલે સૌને સાવચેતી માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે,હાલમાં જોવા મળેલ છુટાછવાયા અને શંકાસ્પદ લમ્પી સ્કીન રોગના કેસોમાં પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી.હા પણ સતર્કતા રાખી પશુઓમાં ચામડીનાં રોગ ચિન્હો જોવા મળે તો તેવા પશુઓને બીજા નીરોગી પશુઓથી તત્કાલીક અલગ કરી,નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો.અસરગ્રસ્ત શંકાસ્પદ પશુઓની આસપાસના પશુ રહેણાંકી વિસ્તારમાં જતુનાશક દવા છંટકાવ, સાફસફાઇ કરવા અને સ્વસ્થ પશુઓમાં રસીકરણ જરૂર કરાવવું.