વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત રેડિયો સંબોધનમાં ગુજરાતની બનાસ ડેરીમાંથી અન્ય રાજ્યોમાં દૂધના પરિવહન માટે ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરાયેલી ટ્રક-ઓન-ટ્રેક સુવિધા પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે કહ્યું કે આ નવી પદ્ધતિ અન્ય ફાયદાઓ સિવાય પરંપરાગત પરિવહનની તુલનામાં માત્ર અડધો સમય લે છે.
અહીંથી અન્ય રાજ્યોમાં સમયસર દૂધ પહોંચાડવા માટે,અત્યાર સુધી ટેન્કર અથવા દૂધની ટ્રેનોનો સહારો લેવામાં આવતો હતો.પરંતુ તેમાં પણ ઓછા પડકારો ન હતા.પહેલા તો લોડિંગ અને અનલોડિંગમાં ઘણો સમય લાગતો હતો અને ઘણીવાર દૂધ પણ બગડી જતું હતું.આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક નવો પ્રયોગ કર્યો છે.રેલવેએ પાલનપુરથી નવી રેવાડી સુધી ટ્રક-ઓન-ટ્રેક સુવિધા શરૂ કરી.આમાં,દૂધની ટ્રક સીધી ટ્રેનમાં લોડ કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ થોડા દિવસો પહેલા જ ગુજરાતની બનાસ ડેરીની એક રસપ્રદ પહેલ વિશે જાણવા મળ્યું.બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે.અહીં દરરોજ સરેરાશ 75 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે.ટ્રક-ઓન-ટ્રેક સુવિધાના પરિણામો ખૂબ જ સંતોષકારક રહ્યા છે.પહેલા જે દૂધ પહોંચવામાં 30 કલાક લાગતું હતું તે હવે અડધાથી પણ ઓછા સમયમાં પહોંચી રહ્યું છે.જેના કારણે જ્યાં ઈંધણને કારણે થતું પ્રદૂષણ અટક્યું છે,ત્યાં ઈંધણનો ખર્ચ પણ બચ્યો છે.ટ્રકના ડ્રાઇવરોને પણ આનાથી ઘણો ફાયદો થયો છે, તેમનું જીવન સરળ બની ગયું છે.’
અત્રે નોંધનીય છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ વર્ષે જૂનમાં પાલનપુરના કરજોડા રેલ્વે સ્ટેશનથી આ પહેલ માટે ઉદઘાટન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ પહેલ હેઠળ 25 ટેન્કરોનો કાફલો,જેમાં પ્રત્યેકમાં 30 હજાર લિટર દૂધ ભરેલું છે,તેનું પરિવહન ટ્રેન દ્વારા કરવામાં આવે છે.એક જ પ્રવાસમાં,અંદાજે 7,50,000 લિટર દૂધનું પાલનપુરથી ઉત્તર ભારતમાં નવી રેવાડી સુધી પરિવહન થાય છે.
વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત સંબોધનમાં ગુજરાતમાં શરૂ કરાયેલી ટ્રક-ઓન-ટ્રેક સુવિધાને બિરદાવતા કહ્યું કે‘સામૂહિક પ્રયાસોથી આજે આપણી ડેરીઓ પણ આધુનિક વિચારસરણી સાથે આગળ વધી રહી છે.બનાસ ડેરીએ પણ પર્યાવરણ સંરક્ષણની દિશામાં કેવી રીતે એક પગલું આગળ વધાર્યું છે તે સીડબોલ વૃક્ષારોપણ અભિયાન દ્વારા સ્પષ્ટ થાય છે.વારાણસી દૂધ સંઘ અમારા ડેરી ખેડૂતોની આવક વધારવા માટે ખાતર વ્યવસ્થાપન પર કામ કરી રહ્યું છે.કેરળની મલબાર મિલ્ક યુનિયન ડેરીનો પ્રયાસ પણ અનોખો છે.તે પ્રાણીઓના રોગોની સારવાર માટે આયુર્વેદિક દવાઓ વિકસાવવામાં રોકાયેલ છે.’
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વધુમાં રાજસ્થાનના ડેરી ખેડૂત અમનપ્રીત સિંહની નોંધ લીધી અને કહ્યું -‘આજે એવા ઘણા લોકો છે જેઓ ડેરી અપનાવીને વિવિધતા લાવી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં ડેરી ફાર્મ ચલાવતા અમનપ્રીત સિંહ વિશે પણ તમે જાણતા જ હશો.ડેરીની સાથે તેમણે બાયોગેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા.આ કારણે તેમનો વીજળી પરનો ખર્ચ લગભગ 70 ટકા જેટલો ઓછો થયો છે.તેમનો આ પ્રયાસ દેશભરના ડેરી ખેડૂતોને પ્રેરણા આપશે.આજે ઘણી મોટી ડેરીઓ બાયોગેસ પર ધ્યાન આપી રહી છે. આ પ્રકારનું કોમ્યુનિટી ડ્રિવન વેલ્યુ એડિશન ખૂબ જ રોમાંચક છે. મને ખાતરી છે કે આ પ્રકારનો ટ્રેન્ડ આખા દેશમાં ચાલુ રહેશે.