કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મોદી સરકારે તમામ ગ્રાહકો માટે રાસોઈ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 400 રૂપિયાની કપાત કરવામાં આવી છે. જેના કારણે 33 કરોડ પરિવારોને ફાયદો થશે.
આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ છે એટલે જનતાને બાટલાના રુપમાં મોટી રાહત મળી છે. સરકાર અત્યારથી જ સબસિડી આપવા જેવો નિર્ણય લેવા માંગે છે જેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે.
હાલમાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે સામાન્ય ગ્રાહકો માટે તે 900 રૂપિયાની આસપાસ હશે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોકેમિકલ કંપનીઓએ ઘણી સારી કમાણી કરી છે અને સમગ્ર ખોટ પણ નફામાં ફેરવાઈ ગઈ છે. મોદી સરકારે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને આ ભેટ આપી છે.
ઓગસ્ટ મહિનામાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે 100 રૂપિયાનો કાપ મૂક્યો હતો. આ પછી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા થઈ ગઈ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલોનું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં મોંઘવારીથી રાહત આપવા માટે પગલા લેવાની વાત કરી હતી જે પછી સૂત્રોએ આવો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના વિશે ગમે ત્યારે જાહેરાત કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે, આના દ્વારા સરકાર મોંઘવારીના મોરચે તેને ઘેરી રહેલા વિપક્ષોને ખાળી શકાશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિલિન્ડર મોંઘવારીના મુદ્દાને મુદ્દો બનાવી દીધો હતો અને તેની અસર પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોતા સરકાર મોંઘવારીથી મોટી રાહત આપવાની તૈયારી કરી ચૂકી છે. પીએમ મોદીએ મોંઘવારીને રોકવાના ઉપાયો વિશે કહ્યુ હતુ કે આપણી સ્થિતિ દુનિયાથી સારી છે, અમે આનાથી સંતુષ્ટ ન થઈ શકીએ. દેશવાસીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપણે કેટલાક વધુ પગલાં ભરવા પડશે અને અમે તેમ કરતા રહીશું.
લોકસભાની ચૂંટણીમાં પણ એક વર્ષથી ઓછો સમય બાકી છે અને વિપક્ષ મોંઘવારીને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી સરકારનું આ પગલું સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે.