વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે.પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશ દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય થવાનું છે.આ યોજનામાં 18 પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાનું આયોજન છે.પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને મિતાક્ષરમાં પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે.જેમાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સુથાર,બોટ-નાવડી બનાવનાર, સરાણિયા,લુહાર,હથોડી અને ટૂલકિટ નિર્માતા,તાળાના કારીગર,કુંભાર,શિલ્પકાર,મોચી,કડિયા, વાળંદ,ટોપલી ટોપલા કે સાવરણીના કારીગર,દરજી,ધોબી,માળી,માછલી પકડવાની જાળી બનાવનારા,પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરોને તેમાં આવરી લેવામાં આવ્યા છે.