ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ.29 ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે 108 સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયેલ હતો.આપત્તિનાં સમયમાં લાખો લોકોનાં જીવન બચાવનાર અને જીવાદોરી સમાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આજે 29 મી ઓગસ્ટ 2023 ના રોજ સફળતાપૂર્વક 16 વર્ષ પૂર્ણ થયેલ છે.
રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007 માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બિમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હદયરોગ,કેન્સર,કીડની,પ્રસૂતિ સંબંધિત,ઝેરી જીવજંતુ કરડવું,મારામારીમાં ઘવાયેલ,ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત,બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા 108 સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007 ના રોજ કરવામાં આવી હતી.
108 યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતું.વર્ષ 2007 થી મેડિકલ,પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને 108 ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ 24X7 પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અધ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે 15 એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવેલ છે.
108 સેવાની વધતી લોકપ્રિયતા,વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનીંગ સેન્ટર,રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.
ગુજરાતમાં આ 16 વર્ષના સમયગાળામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલ્નસ સેવા થકી 1.51 કરોડ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 2.15 લાખથી વધુ પોલીસ અને 6.2 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે.47.9 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે.તો 14 લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે.51.27 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે.108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 1,32,355 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.
108 સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે,ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહેલ છે.108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “ 108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવેલ છે. જેને ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલ છે.
દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં 108-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
આ તકે લોકોને એક અપીલ કરવાનું મન થાય કે જ્યારે પણ 108 એમ્બ્યુલન્સ વાનની સાયરન વાગે ત્યારે ત્વરિત તેને જગ્યા આપી દેવી જોઈએ કારણ 108ની સાયરન એ માત્ર સાયરન જ નહી પણ કોઈના દિલની ધડકન હોય છે.