ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે.કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે.
ગુજરાતમાં નાળિયેર ઉત્પાદન અંગેની વિગતો આપતા રાજ્યના બાગાયત નિયામકપી.એમ.વઘાસિયા કહે છે કે રાજ્યમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર 25 હજાર હેક્ટરે પહોંચ્યો છે.જ્યારે તેનું ઉત્પાદન 21. 42 કરોડ નટ્સ એટલે પાકા નાળિયેર જેટલું છે.તેઓ ઉમેરે છે કે,ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ,જૂનાગઢ,ભાવનગર,વલસાડ,કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં થાય છે.
નાળીયેરના પાક અંગે પ્રકાશ પાડતા સંયુક્ત બાગાયત નિયામક કહે છે : “ રાજ્યમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે,જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે.5 ટકા ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે નાળિયેરનું ઉત્પાદન કરે છે.ગુજરાતમાંથી 33 ટકા નાળિયેર દિલ્હી,પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે.ઉલ્લેખનીય છે કે નાળિયેર આમ તો બારેમાસ મળે છે.
પરંતુ ઉનાળામાં માર્ચથી જૂન સુધી નાળિયેરની માંગમાં વૃદ્ધિ થાય છે.
નોંધપાત્ર બાબત એ છે કે કૃષિ અર્થતંત્રમાં નાળિયેરના મહત્વને રેખાંકિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે “ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ” અમલી બનાવ્યો છે.જેના માટે બજેટમાં રૂ.403.30 લાખની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્ય સરકારનું આ પગલું નાળિયેરની ખેતીમાં એક મહત્વપૂર્ણ કદમ બની રહેશે.
ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.ખરેખર તો આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ બને છે.અને એટલે જ તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું.તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે.
નાળિયેરની મૂલ્યવૃદ્ધિ કરી તેમાંથી તેલ,વર્જિન કોકોનટ ઓઈલ,નાળિયેરનું દૂધ,કોકોનટ કુકી, કોકોનટ બરફી,વિનેગર,ફ્લેક્સ, ચિપ્સ,ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી શકાય છે.નાળિયેરના તેલનો ઉપયોગ ખાદ્ય તેલ ઉપરાંત ટોયલેટરી અને અન્ય ઉદ્યોગોમા પણ થાય છે.નાળિયેરના દૂધનો ઉપયોગ એલર્જી માટેના ઔષધોમાં પણ થાય છે.દરેક જૂથ માટે ઉપયોગી એવા નાળિયેરના દૂધનો ઉપયોગ નવજાત શિશુને પીવડાવવામાં વિશેષ રીતે કરવામાં આવે છે.
નાળિયેરનું દૂધ ડાયાબિટિસ,સ્થૂળતા, પિત્તાશયના રોગ,સ્વાદુપિંડનો સોજામાં ઉપયોગી છે.
રાજ્યમાં નાળિયેરીનું ઉત્પાદન વધતા પ્રોસેસિંગ થકી તેનું મૂલ્યવર્ધન કરી નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક-બૉટલ, નાળિયેર મિલ્ક પાવડર,નાળિયેર તેલ,નીરો,કોયર જેવા અનેક ઉત્પાદનો માટેની પણ વિપુલ સંભાવના રહેલી છે.
રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો નાળિયેરની ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવે છે.દા.ત.ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ હેઠળ નાળીયેરી ખેડૂતને વાવેતર માટે ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ.37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય તરીકે આપવામાં આવે છે.આ સહાય બે હપ્તામાં 75:25 ચૂકવવામાં આવે છે.આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.5000 પ્રતિ હેકટરે સહાયપેટે આપવામાં આવે છે.
રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે ખર્ચના મહતમ 90 ટકા મુજબ રૂ.13,000 પ્રતિ હેક્ટરે સહાય તરીકે ચૂકવાય છે.આમ, નાળિયેર એ સાચા અર્થમાં ગુજરાતના અર્થતંત્ર માટે શ્રીફળ એટલે કે શુભ ફળ બની રહ્યું છે.