‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરવા તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 13 સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ યોજવા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યના તમામ ધારાસભ્યો માટે તાલીમ વર્કશોપ ચાલી રહ્યો છે.જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી હતી.
મુખ્યમંત્રીએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી.ઉપરાંત આ એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન LAQ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી મેળવી હતી.રાજ્યની વિધાનસભાને પેપરલેસ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ઝડપથી થઇ શકે તે માટે રાજ્ય સરકારનો ખુબ સારો સહયોગ મળ્યો છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આભાર વ્યક્ત કરી વિવિધ સંલગ્ન વિભાગો તેમજ વિધાનસભાના અધિકારી તથા કર્મચારીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ કે,નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે.રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે.
એટલુ જ નહિ,વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે.ઉપરાંત,ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી પૂરી શકશે.