મરીન નેશનલ પાર્ક ખાતે જીવતા પરવાળા અને મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ જોઇને તમે ખુશ થઇ જતા હો તો ત્યાં પ્રવાસીઓ માટે કચ્છના અખાતમાં બીજુ પણ ઘણું જોવાનું છે.તમે બોટમાં બેસીને ડોલ્ફીનને નીહાળીને તમારી આંખોને શાંત કરી શકો છો.
ડોલ્ફીનની વસ્તીમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાતનો વન વિભાગ મરીન નેશનલ પાર્ક ખાતે એક સ્પેશ્યલ સફારી શરૂ કરવાનું આયોજન કરી રહ્યો છે.
વન વિભાગ દ્વારા ડીસેમ્બરમાં કરવામાં આવેલ પ્રથમ અધિકૃત વસ્તીગણત્રીમાં 211 ડોલ્ફીન હોવાનું જાહેર થયું છે જે બે દાયકા પહેલાની 111ની સંખ્યા કરતા લગભગ બમણી છે.ડોલ્ફીનના આ વસ્તી વધારાથી પ્રોત્સાહિત વન વિભાગ વન્ય પ્રાણીના ચાહકોને કુદરતની આ સુંદર રચનાને તેમના કુદરતી રહેઠાણમાં નિહાળવાની તક આપવા માંગે છે.તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.
આ સમાચારની પુષ્ટિ કરતા પ્રીન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવે કહ્યું ‘‘અમે જાગૃતિ અભિયાનો શરૂ કરવાના છીએ અને કોસ્ટગાર્ડ,સ્થાનિક પોલીસ અને વિભાગના અધિકારીઓની એક ટાસ્ક ફોર્સની રચના આ વિસ્તાર નિરીક્ષક માટે કરવાનો પ્રસ્તાવ મુકયો છે.
લાયન સફારીની જેમ જ અમે કેટલીક બોટો રજીસ્ટર કરીને તેમને આ પ્રવાસન વિસ્તારમાં ચલાવવાની કોસ્ટ ગાર્ડના સહકારથી કરવામાં આવશે.”
211 ડોલ્ફીનનો રિપોર્ટ ભલે ઉત્સાહજનક હોય પણ ભારતીય દરિયાકાંઠે ડોલ્ફીનની વસ્તી ઘટી રહી હોવાની ચેતવણી અપાઇ રહી છે.એક સીનીયર અધિકારીએ કહ્યું કે,ડોલ્ફીનના ઘટાડાના કારણે કેન્દ્રએ પ્રોજેકટ ડોલ્ફીન લોન્ચ કરવો પડયો છે.ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ડોલ્ફીનને તેમની સામેના રહેઠાણ ગુમાવવું,જળ પ્રદૂષણ,તટીય વિકાસ, વધુ માછીમારી અને વધતા જતા દરિયાઇ ટ્રાફીક જેવા ભયોના કારણે સંવેદનશીલ પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.