રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષક દિવસે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં 34 શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરસ્કાર’થી સન્માન કર્યું હતું.રાજ્યના 11 શ્રેષ્ઠ-તેજસ્વી વિદ્યાર્થીઓને પણ એવોર્ડ અર્પણ કર્યા હતા.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્ર પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
35 વર્ષો સુધી ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે પણ સ્વયં શિક્ષક તરીકે જ ઓળખાવાનું વધુ પસંદ કરે છે.તેમણે કહ્યું કે,”આજે મને મારા પરિવારમાં આવવાની તક મળી તેનાથી હું વિશેષ સુખની અનુભૂતિ કરી રહ્યો છું.”રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,જીવન નિર્વાહ માટે અનેક વ્યવસાય-વેપાર-ઉદ્યોગ છે,પણ તમામ કર્મોમાં શિક્ષકનું કર્મ અતિ પવિત્ર અને મહત્વનું છે.દાનનું મહત્વ છે પણ વિદ્યાથી મોટું કોઈ દાન નથી.શિક્ષક-ગુરૂજન બાળકની દશા અને દિશા બદલી શકે છે.શુક્લ યજુર્વેદના ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે,બાળકના ત્રણ ગુરૂ હોય છે;માતા-પિતા અને ગુરુ ધન્ય છે એ સંતાન જેને આદર્શ,ધર્માત્મા, જીતેન્દ્રિય અને પરોપકારી માતા,પિતા અને ગુરુ મળ્યા છે.શિક્ષક દીપકની જેમ સ્વયં પ્રજ્વલિત થઈને અન્યને પ્રકાશ આપે છે.’ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ.અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ.
રાજ્યપા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,શિક્ષક-ગુરુ બાળકને બીજો જન્મ આપે છે.વેદોમાં ઉલ્લેખ છે કે માતા-પિતા પોતાના બાળકના ઉછેર માટે તેને ગુરુજીના સાંનિધ્યમાં સોંપી આવતા હતા.
ભારતનો ગુરૂ ત્યારે માતા પિતાને આશ્વાસન આપતો કે,’મા ના ગર્ભમાં બાળક જેટલું સુરક્ષિત અને કાળજીમાં હોય છે,એવી જ સંભાળ હું રાખીશ.’દુનિયામાં એક શિક્ષકનું આનાથી મોટું શ્રેષ્ઠ ચિંતન અન્ય કોઈ ન હોઈ શકે.ભારતના ગુરુઓએ તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા અને વલ્લભી જેવા વિશ્વવિદ્યાલયો આ વિશ્વને આપ્યા છે. ભારત હંમેશા વિશ્વગુરુ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી બની રહ્યું છે,એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભારત આજે પુનઃ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રનો શિક્ષક પોતાની જવાબદારી સમજે.સમાજમાં સકારાત્મક વિચાર-સર્જનાત્મક ચિંતન પ્રગટે તેની જવાબદારી શિક્ષકોની છે.શિક્ષકો જ શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.રાષ્ટ્ર અને રાજ્યના પ્રત્યેક શિક્ષક પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવે અને સંસ્કારીત,શરીરથી સ્વસ્થ, વિચારોથી સમૃદ્ધ,માતા-પિતાનું સન્માન કરે,વડીલો પ્રત્યે સમર્પિત હોય,જેનામાં રાષ્ટ્રભાવના ભરપૂર હોય અને જે રાષ્ટ્ર માટે જરૂર પડે તો બલિદાન આપવા પણ તત્પર હોય એવા બાળકનું નિર્માણ કરે.
તો વળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પુરસ્કારથી સન્માનિત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતા તેમને સ્વર્ણિમ ભારતની આવતીકાલના આર્કિટેક તરીકે નવાજ્યા હતા.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,વડાપ્રધા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી અમૃતકાળમાં પ્રવેશ્યો છે.આ અમૃતકાળમાં અને 21મી સદીમાં ભારત જ્ઞાન-વિજ્ઞાનનું અધિષ્ઠાતા બને તેવી સક્ષમ પેઢીના નિર્માણ માટે શિક્ષક સમુદાયે મોટું અને મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેદથી વેબ અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીની આપણી સંસ્કૃતિની વિકાસ યાત્રામાં શિક્ષણ અને શિક્ષકની સકારાત્મક ભૂમિકા રહી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે,સરકાર શાળાઓ બનાવે,ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે, શિક્ષકોની ભરતી કરે,પરંતુ શાળામાં પ્રાણ તો શિક્ષક જ પૂરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતને સુપેરે સાકાર કરવા અને નવા ભારતના નિર્માણ માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે તેનો મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,આ નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ આવનારી પેઢીને શિક્ષણ સાથે શ્રમ કૌશલ્યથી સંપન્ન,શારીરિક માનસિક બુદ્ધિબળથી સજ્જ અને વિશ્વના યુવાઓ સાથે સ્પર્ધામાં ઉભા રહેવા સક્ષમ બનાવવાનો છે.શિક્ષક સમુદાયના વાણી,વર્તન,વ્યવહાર અને વિદ્યાર્થીઓ પ્રત્યે પોઝિટિવ એપ્રોચથી આવી સક્ષમ પેઢીનું નિર્માણ થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.તેમણે ગુજરાતે સ્માર્ટ ક્લાસરૂમ,ડિજિટલ લર્નિંગ અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અન્વયે 16 હજાર ક્લાસરૂમ શરૂ કરીને નવી શિક્ષણ નીતિને અનુરૂપ સમયાનુકુળ શિક્ષા-દિક્ષા આપવાના જે સફળ આયામો અપનાવ્યા છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કન્યા કેળવણી,ગુણોત્સવ,વિદ્યાર્થીઓનું પ્રાથમિક શાળા શિક્ષણ મૂલ્યાંકન જેવા શિક્ષણ સુધારણા જન આંદોલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં પાર પડ્યા છે તેની છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીએ 2047માં દેશની આઝાદીની શતાબ્દી વેળાએ ભારત માતાને વિશ્વ ગુરુના સ્થાને બિરાજિત કરાવવામાં સમગ્ર શિક્ષક સમુદાયને રાષ્ટ્રહિત,રાજ્યહિત, સમાજહિત હૈયે રાખી વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી રૂપ બનવા પ્રેરક આહવાન કર્યું હતું.તો મુખ્યમંત્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષક દિવસ નિમિત્તે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી. શિક્ષણ વિભાગ વિકાસ ગાથા’ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.