ગુજરાતી લોકજીવનની ઝાંખી એટલે વાર તહેવાર યોજાતા મેળા.આ લોકમેળા એ ગુજરાતની ઓળખ બની રહ્યા છે.તેમાં પણ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિત સાતમ-આઠમ એટલે જન્માષ્ટમીના મેળાની વાત જ જુદી હોય છે.
આ પ્રકારના મેળામા મ્હાલવા દૂર દૂરથી લોકો પાતાના પૌરાણીક અને પારંપારિક વસ્ત્રાલંકાર-પોષાક ધારણ કરી મેળામાં આવે છે.ત્યારે આ મેળાઓમાં ગુજરાતનું લોકજીવન જાણે કે ધબકી ઉઠતુ હોય છે.ગુજરાતમાં હવે દેશ-વિદેશથી પર્યટકો મેળાની મોજ માણવા આવે છે.ધર્મ-સંસ્કૃતિ અને સામજિક સમરસતાને ઉજાગર કરતા આ મેળાને ગુજરાત સરકારે પ્રવાસન સાથે સાંકળી લઈ વધુ મહત્વ અપાવ્યુ છે.તેથી દેશ-વિદેશમાં ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છે.તેમા પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં લોકો બહોળી સંખ્યામાં આવતા હોય છે.અને રાજકોટનો સાતમ-આઠમનો ખૂબ જ પ્રખ્યાત ‘‘રસરંગ લોકમેળા-2023’’નો પ્રારંભ થયો છે.
ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ ‘‘રસરંગ લોકમેળા-2023’’નો શુભારંભ કરાવ્યો.જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાન,ખાણી-પીણી,આઈસ્ક્રીમ,નાની ચકરડી,ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરાયા હતા.લોકનૃત્યોમાં પ્રાચીન ગુજરાતના ગરબા,અઠીંગો,હુડો રાસ,સીદી ધમાલ,તલવાર રાસ,મણિયારો રાસ,ઢાલ છત્રી નૃત્યો લોકગીતો સાથે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે,સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે.વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે.દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.