હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી..ના નાદ સાથે ગત મધ્યરાત્રીએ દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઘૂમ જોવા મળી હતી.વ્હાલા બાળ વધામણા કરવા સૌ કોઈ ભક્તો ઉમટી પડ્યા હતા.
તેથી આજે પારણા નવમીની ઉજવણી પણ ઠેર ઠેર થઈ મંદિરોમા અબીલ ગુલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ જામી છે.લોકોની આતુરતાનો અંત આવતા આ અવસર પર કાનાના જન્મસ્થળ મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.તો ગુજરાતના ડાકોર,દ્વારકા સહિતના કૃષ્ણ મંદિરોમાં પણ ભાવિક ભક્તોએ જય શ્રી કૃષ્ણના નારા લગાવી આનંદ સાથે વ્હાલાના વધામણા કર્યા હતા.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ 17-18 જૂન 3229 બીસીઇમાં એટલે કે દ્વાપર યુગના અંત દરમિયાન શ્રાવણ કૃષ્ણ અષ્ટમી પર મધ્યરાત્રીએ થયો હતો.તે મુજબ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિ ઉજવાઇ.3102માં કૃષ્ણએ પોતાની જીવન લીલા સંકેલી હતી.
એટલે કે વિક્રમ સંવત મુજબ કળીયુગમાં તેમની ઉંમર 2078 વર્ષ થાય.આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ,6 મહિના અને 6 દિવસ માનવ અવતાર સ્વરૂપે રહ્યા હતા.
ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વને કર્મનો સિદ્ધાંત તેમજ માનવ મૂલ્યો અને શાંતિનો સંદેશ પોતાના જીવન થકી આપ્યો હતો.તો શ્રીમદ્ ભગવદ ગીતા રૂપે સ્વમુખે અર્જુનને સંબોધી માનવ જાતને અણમોલ જ્ઞાન પણ આપ્યુ છે.જે આજે પણ વિશ્વ કલ્યાણ માટે મહત્વનું પુરવાર થયુ છે.