અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ જો બિડેન આજે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે આ કોન્ફરન્સમાં હાજરી આપશે.તે પહેલા 8 સપ્ટેમ્બરે એટલે કે આજે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થવાની છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બિડેન દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.આ મીટિંગ પહેલા,ભારતે US ને 31 ટોપ-ઓફ-ધ-લાઈન હથિયારો ધરાવતા MQ-9B હન્ટર કિલર ડ્રોન મેળવવા વાત કરી છે.
ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 31 MQ-9B હન્ટર કિલર ડ્રોનની ખરીદી માટે અંતિમ કરાર પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખે છે.સંરક્ષણ મંત્રાલયે 31 ‘હન્ટર-કિલર’ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમની ખરીદી માટે વિગતવાર LoR એટલે લેટર ઓફ રિક્વીઝિશન મોકલ્યો છે.
મળતી માહિતી અનુસાર બિડેન વહીવટીતંત્ર હવે તેના ફોરેન મિલિટરી સેલ્સ FMS પ્રોગ્રામ હેઠળ યુએસ કોંગ્રેસને ખર્ચ અને અપેક્ષિત સૂચના સાથે એક કે બે મહિનાની અંદર LoA ઓફર અને સ્વીકૃતિ પત્ર સાથે જવાબ આપશે.
ભારત સરકારે 31 કિલર ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.તેમાંથી 15 નેવીને અને 8-8 આર્મી અને ઈન્ડિયન એરફોર્સને આપવાના છે.15 જૂનના રોજ સંરક્ષણ મંત્રાલયની પ્રારંભિક મંજૂરીએ આ સોદા માટે આશરે $3.1 બિલિયનનો અંદાજિત ખર્ચ મૂક્યો હતો.
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મંજૂરી બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ આ ડ્રોન માટે વાસ્તવિક કરાર પર હસ્તાક્ષર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે,એમ સૂત્રોએ જણાવ્યું હતું.ભારતીય સશસ્ત્ર દળો આગામી છથી સાત વર્ષમાં તેના કાફલામાં તમામ ડ્રોનનો સમાવેશ પૂર્ણ કરવા આતુર છે.આ ડ્રોન ભારતમાં જનરલ એટોમિક્સ GA દ્વારા ‘એસેમ્બલ’ કરવામાં આવશે.
જાણો MQ-9B ઘાતક ડ્રોનની વિશેષતાઓ :
– MQ-9B ઘાતક ડ્રોન 40 થી 50 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ ઉડી શકે છે
– ચીનની સરહદે આવેલી LAC પર પણ આ અસરકારક રહેશે
– ડ્રોન 30 થી 40 કલાક સુધી સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે
– પોતાની સાથે 5,670 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે
– આ ડ્રોનની ઇંધણ ક્ષમતા 2,721 કિગ્રા છે.
– MQ-9B ઘાતક ડ્રોન એન્ટી સબમરીન,એન્ટી-સરફેસ અને સર્જીકલ સ્ટ્રાઈકની કામગીરીમાં અસરકારક.