વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થકી ભારતીય સંસ્કૃતિની દેન એવા ‘યોગ’ વિશ્વફલક સુધી પહોંચ્યા છે અને 21મી જૂનને ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે માન્યતા મળી છે.ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડાપ્રધાનના 73મા જન્મદિવસ નિમિત્તે 16 તથા 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 73 સ્થળો પર 73,૦૦૦ યોગસાધકો દ્વારા 7,3૦,૦૦૦ સૂર્યનમસ્કારના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે.તેઓ નિયમિત યોગ કરે છે.એટલું જ નહીં, પોતાના વકતવ્યમાં પણ હંમેશાં તેઓ યોગના મહત્ત્વ અને ફાયદા પર ભાર મૂકતા હોય છે. તેમના અથાક પ્રયત્નો થકી જ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ શક્ય છે.
પરિણામે, યોગના આ કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચારપ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે તેમજ લોકો તેમાં રસ લઈ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તથા નિરોગી રહે તેવા આશયથી સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત જ રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.
યોગક્ષેત્રે વડાપ્રધાનના અમૂલ્ય ફાળાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમના 73મા જન્મદિવસ નિમિત્તે રાજ્યનાં અલગ અલગ 73 સ્થળો પર 73,૦૦૦ યોગસાધકો દ્વારા એકસાથે 7,3૦,૦૦૦ સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત બંને દિવસ રાજ્યના દરેક જિલ્લામાં તેમજ મહાનગરપાલિકા ખાતે સવારે 6 થી 8 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.જેમાં જોડાવા માટે તમામ નાગરિકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.