તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી હતી,જેના કારણે દરવાજા ખોલીને પાણી છોડવું પડ્યું હતું.લાખો ક્યુસેક પાણી છોડાવાના કારણે નર્મદાનું જળસ્તર પણ વધ્યું અને આસપાસનાં ગામોમાં પણ અસર થઈ.
આ બધા વચ્ચે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે ડેમ છલોછલ ભર્યો અને એકસાથે પાણી છોડ્યું એટલે આ પૂરની સ્થિતિ સર્જાઈ છે. પછીથી સરકાર તરફથી સાચી હકીકત જણાવવામાં આવી છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમની વણસેલી સ્થિતિને લઈ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતુ કે,રાજ્યમાં જુલાઇ માસમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ માસ દરમિયાન નહિવત વરસાદ રહ્યો અને સપ્ટેમ્બર માસમાં ફરી વખત સારો વરસાદ પડ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારમાં વરસાદની ઘટ્ટ હતી ત્યાં પણ સારો વરસાદ છેલ્લા ત્રણ દિવાસમાં પડ્યો છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 100 થી 130 ટકા વરસાદ નોંધાયો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.ત્યારે આ આપત્તિ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત મંત્રી ઋષિકેશ પટેલે વ્યકત કર્યો હતો.તેમણે કહ્યુ કે કેચમેન્ટ વિસ્તાર,ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી આ ત્રણેય કારણો ઉપરાંત દોઢ દિવસમાં સતત પડેલા વરસાદને કારણે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ.
બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ સર્જાતા 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના નર્મદા બેસીન ધરાવતા બધા જ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થયો હતો.આ સ્ટોર્મ નર્મદા બેઝીનને સમાંતર આગળ વધ્યુ. આમ ઉપરવાસમાંથી આવતું પાણી અને સતત પડી રહેલા વરસાદનું પાણી ભેગું થયુ અને આવરો વધ્યો.
મધ્યપ્રદેશનો ડેમ અંદાજીત 85 ટકા સુધી ભરાયેલા હોવાથી પાણી યથાવત સ્થિતીમાં છોડવામાં આવ્યુ.ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા 16 મી સપ્ટેમ્બરની વહેલી સવારથી પાણી વધવા માંડ્યું.
ઇન્દિરાસાગર થી 16 મીએ સવારે સાત વાગ્યે 6.67 લાખ ક્યુસેક નર્મદામાં પાણી છોડવામાં આવ્યુ.એ વખતે સરદાર સરોવરની સપાટી 135.37 મીટર હતી.ત્યારે 3.31મીટર એટલે 10234 MCMનું કુશન હતુ.
15 મી સપ્ટેમ્બરે NCAની નિર્ધારિત લઘુત્તમ રૂલ લેવલ 138.12 મીટર હતુ.16 મીએ ઓમકારેશ્વર ડેમમાંથી વહેલી સવારે ત્રણ વાગ્યે 38,000 ક્યુસેકથી વધારી 4.53 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જે 8 થી 12 કલાકે સરદાર સરોવર સુધીમાં પહોંચ્યું.
ઓમકારેશ્વર અને સરદાર સરોવર વચ્ચેના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો.જેથી 16 મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે 5.31 લાખ ક્યુસેક ફ્લડનો ઇનફ્લો શરૂ થયોજે વધીને રાત્રે 11 વાગ્યે 22 લાખ ક્યુસેક થયો.નીચેના વાસમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી અને 16 સપ્ટેમ્બરના 10 વાગ્યે 45,000 થી ક્રમશ : વધારી 5 લાખ, 8 લાખ અને 12 વાગ્યે 16 લાખ ક્યુસેક થયું.
મહત્તમ આવરો 16 સપ્ટેમ્બરે 22 લાખ થયો.સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારોમાં ન્યુનતમ અસરો થાય તે ઉદ્દેશય સાથે 17 સપ્ટેમ્બરે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.
16 સપ્ટેમ્બરે જીવંત સંગ્રહ 109 ટકાથી વધુ આવ્યો હતો. ડેમ 110 ટકા ભરાય તેટલુ પાણી ફક્ત દોઢ દિવસમાં જ આવ્યું.16 મી સપ્ટેમ્બરે કડાણા ડેમ 1249 MCMની ક્ષમતાના 37 ટકા ભરેલો હતો જેમા 17 મીએ 2641 MCM પાણી આવ્યું.એટલે કે ડેમની ક્ષમતા કરતાં બમણું પાણી આવ્યું.
ઉપરાંત
ઉકાઇ ડેમ 7414 MCM અને 240 ફીટ લેવલથી 83 ટકા ભરેલ હતુ.જેમાં હાલ પાણીની આવક 2,27,000 ક્યુસેક છે અને 2,90,000 પાણી આઉટ ફ્લો છે.
ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું સ્થળાંતર અને નર્મદા, ભરૂચ,વડોદરા,દાહોદ,પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું છે. રાજ્યના 227 ગામો વીજળી ગઇ હતી જેને યુધ્ધના ઘોરણે પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.