ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. જણાવી દઈએ કે ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસની ધમકી પછી ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીયો અને ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.
કેનેડામાં હિંસક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે ત્યાં રહેતા ભારતીય લોકોને અને દેશમાં મુસાફરી કરતા લોકોને અત્યંત સાવધાની રાખવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાં હાજર તમામ ભારતીય નાગરિકો અને મુસાફરીની વિચારણા કરનારાઓને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ ત્યાં રહેતા ગુનેગારોએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીયોના વર્ગોને નિશાન બનાવ્યા છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે કેનેડામાં જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય તેવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે.
અગાઉ ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુએ એક વીડિયો જાહેર કરીને ત્યાં રહેતા ભારતીય નાગરિકોને ધમકી આપી હતી. વીડિયોમાં તેણે ત્યાં રહેતા હિંદુઓને કેનેડા છોડવા કહ્યું હતું. વીડિયોમાં પન્નુને એવું કહેતા સાંભળી શકાય છે કે ઈન્ડો-હિંદુ કેનેડા છોડી દો, ઈન્ડિયા જાઓ. તેમણે કહ્યું કે જેઓ માત્ર ભારતને જ નહીં, પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છે. તેઓએ તાત્કાલિક કેનેડા છોડી દેવું જોઈએ. આતંકવાદી પન્નુની ધમકી અને ભારતીય વિદેશ મંત્રાલયની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.