Womens Reservation Bill : સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે લોકસભામાં ‘નારી શક્તિ વંદન બિલ’ પર લાંબી ચર્ચા થઈ હતી. જે બાદ મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થયું હતું. સ્લીપ દ્વારા મતદાન થયું હતું. બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા.વોટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સમય દરમિયાન, મોટાભાગના વિરોધ પક્ષોએ બિલને ટેકો આપ્યો હતો, અને તેના તાત્કાલિક અમલીકરણ અને OBC ક્વોટાનો સમાવેશ કરવાની માંગ પણ કરી હતી. તેને એક મોટું પગલું ગણાવતાં સરકારે કહ્યું કે વસ્તી ગણતરી અને સીમાંકન જરૂરી છે.
બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અર્જુન મેઘવાલ અને અન્ય નેતાઓએ વિપક્ષના દાવાઓનો જવાબ આપ્યો. વિપક્ષના પક્ષે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચર્ચા શરૂ કરી હતી. આ પછી NCP સાંસદ સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, DMK સાંસદ કનિમોઝી અને TMC સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક મહિલા વિપક્ષી સાંસદોએ સરકાર પર નિશાન સાધ્યું.