ગાંધીનગર ખાતે ગત 22 સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ,અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે,ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ. હેઠળ ગુજરાતમાં મગફળી,મગ,અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી 21 ઑક્ટોબરને શનિવારથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160,મગ માટે 73,અડદ માટે અને 105 સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે,જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ.6464.24 કરોડ મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ.420 કરોડ મૂલ્યના 91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.
ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે,ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.રાજ્ય સરકાર દ્વારા મગફળી,મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે,અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા.જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377 પ્રતિ કિવ.,મગનો ટેકાનો ભાવ રૂ.8558 પ્રતિ કિવ.અડદનો ટેકનો ભાવ રૂ. 6950 – પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. 4600 પ્રતિ કિવ.જાહેર કરવામાં આવ્યો છે.