મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો આજે શુક્રવાર 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે.આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે.કીમ મુખ્યમંત્રીને મળ્યાં હતાં.
વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલ.ઇ.ડી. ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે.
સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે તેની વિગતો આપી હતી.મુખ્યમંત્રીએ ખાસ કરીને ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તેમ જણાવ્યું હતું.
માઇક્રોન જેવી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વખ્યાત કંપનીએ તાજેતરમાં સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે તેની પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી.
આ સંદર્ભમાં સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી.મુખ્યમંત્રીએ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.