ભારતીય રિઝર્વ બેંક RBI એ ત્રણ દિવસીય મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ એટલે કે MPC મીટિંગમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે અને આ વખતે પણ કેન્દ્રિય બેંકે લોન લેનારા ગ્રાહકોને મોટી રાહત આપી છે.દેશમાં ફુગાવાનો દર RBI દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઉપર હોવા છતાં,પોલિસી રેટ એટલે કે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એટલે કે લોનની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ સતત ચોથી વખત છે જ્યારે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં,રેપો રેટ 6.50 ટકા છે અને નિષ્ણાતો પહેલેથી જ તે સ્થિર રહેવાની અપેક્ષા રાખતા હતા.ગત વર્ષે સેન્ટ્રલ બેંકે ચરમસીમાએ પહોંચી ગયેલા ફુગાવાના દરને અંકુશમાં લેવા માટે આ દરમાં એક પછી એક અનેક વખત વધારો કર્યો હતો.મે 2022માં રેપો રેટ 4 ટકા હતો,જે ફેબ્રુઆરી 2023 સુધીમાં 6.50 ટકા પર પહોંચ્યો હતો.જો કે ત્યારપછી તેને યથાવત રાખવામાં આવ્યું છે. શક્તિકાંત દાસે કહ્યું કે વિશ્વમાં પડકારો હોવા છતાં,ભારત વિકાસનું એન્જિન છે.
જો દેશમાં ફુગાવાના દરની વાત કરીએ તો તે RBI દ્વારા નિર્ધારિત રેન્જની બહાર રહે છે.ગયા જુલાઈ 2023ની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો.નોંધનીય છે કે જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર CPI 7.44 ટકાના સ્તરે હતો જે ઓગસ્ટ મહિનામાં ઘટીને 6.83 ટકા પર આવી ગયો હતો.તો સેન્ટ્રલ બેંકે દેશમાં મોંઘવારી દરને 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે.તેથી, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી મોંઘા દરે લોન મળે છે.આના કારણે સામાન્ય લોકોને મળતી લોન પણ મોંઘી થાય છે અને તેમની લોનની EMI પણ વધી જાય છે.ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે અને લોન મોંઘી થાય છે.લોન મોંઘી થવાને કારણે અર્થતંત્રમાં રોકડનો પ્રવાહ ઘટે છે.,આનાથી માંગ ઘટે છે અને ફુગાવાનો દર ઘટે છે.રેપો રેટ સિવાય રિવર્સ રેપો રેટ છે.રિવર્સ રેપો રેટ એ દર છે જેના અનુસાર રિઝર્વ બેંક અન્ય બેંકોને થાપણો પર વ્યાજ આપે છે.