મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દશક પહેલા ગુજરાતની ક્ષમતા અને તકોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી નવા ઉદ્યોગો,નવી ટેકનોલોજી,નવા રોજગાર અવસર ઊભા કરવા શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાત ડેવલપમેન્ટના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.
મુખ્યમંત્રી 2024નાં જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો-રોકાણકારો સાથે યોજાયેલી કર્ટેન રેઇઝર મિટમાં સંબોધન કરી રહ્યા હતા.
નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રિય રાજ્યમંત્રી દર્શના જરદોષ અને ડો.મહેન્દ્ર મુંજપરા તથા ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત,રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં સમયથી એક કદમ આગળ વિચારનારા વિઝનરી લીડર છે.2003માં જ્યારે કોઈને આવી બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર પણ ન આવ્યો ત્યારે તેમણે એક પૃથ્વી,એક પરિવાર,એક ભવિષ્યની ભાવના સાથે વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી નરેન્દ્ર મોદી વિશ્વના મૂડી રોકાણકારો અને થોટ લીડર્સને એક સાથે એક મંચ પર લાવ્યા અને સૌ સાથે મળીને આગળ વધી શકે તેવો નવતર વિચાર આપ્યો. વડાપ્રધાને હવે પાછલાં નવ વર્ષમાં દૂરદર્શી નેતૃત્વથી દેશમાં પણ અનેક નવતર અભિગમ સાથેના રિફોર્મ્સથી ભારતની વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી કરી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે તો પાછલા બે દશકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.આ પ્રતિષ્ઠા અપાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યુ કે,આજે તો વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ,નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસ માટેની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્લેટફોર્મ બની ગઈ છે.વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની આ ભવ્ય સફળતાને ગુજરાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તાજેતરમાં સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી હતી,તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
તો વળી વડાપ્રધાને વાવેલું વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ હવે વટવૃક્ષ બની ગયું છે અને તેમના જ માર્ગદર્શનમાં ટીમ ગુજરાત તેની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવવા કર્તવ્યરત છે ભૂપેન્દ્ર પટેલે કહ્યું,આ કર્ટેન રેઈઝર મિટમાં ઉપસ્થિત ઉદ્યોગકારો-રોકાણકારો દેશના અમૃતકાળના સાક્ષી છે.આ અમૃતકાળમાં ગુજરાતના થઈ રહેલા નિરંતર વિકાસ અને ડેવલપમેન્ટ ઓરિયેન્ટેડ ગવર્નન્સથી ભારતની વિકાસયાત્રાને પણ બળ મળ્યું છે,તેમ તેમણે જણાવ્યું હતું.
દેશના આવા મહત્વપૂર્ણ કાલખંડમાં યોજાઈ રહેલી 10મી વાઈબ્રન્ટ સમિટની થીમ ગેટ-વે ટુ ધ ફ્યુચર છે,તેની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના દ્રષ્ટિકોણને ગુજરાત આ સમિટથી સાકાર કરશે.
પ્રોએક્ટિવ પોલિસિઝ-લેડ એપ્રોચ,ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ,ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એટિટ્યુડ અને મજબૂત ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત મોસ્ટ પ્રીફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.એટલું જ નહીં,દેશના ઉજ્જવળ ભવિષ્યમાં ગેટ-વે ટુ ધ ફ્યુચર બનવા પણ સંપૂર્ણ સજ્જ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે,ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ એવા ગિફ્ટ સિટી,ધોલેરા એસઆઈઆર,ડ્રીમ સિટી,ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માધ્યમથી વિકસિત ભારતનું વડાપ્રધાનનું વિઝન પાર પાડવામાં ગુજરાતે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી દીધી છે.ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ, ફાયનાન્સિંગ અને ફિનટેક હબ જેવા નવ ઊભરતા ક્ષેત્રો વિકસી રહ્યાં છે.ધોલેરા એસ.આઈ.આર.ભારતનો સૌથી મોટા ગ્રીન ફિલ્ડ ઈન્સ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી બનશે એમ તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સેમિ કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના ઉત્પાદનમાં પણ ગુજરાતને મોસ્ટ પ્રીફર્ડ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે,દેશમાં ગુજરાતે સૌ પહેલાં સેમિ કન્ડક્ટર પોલિસી લાગુ કરી છે.રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાતે લીડ લઈને વડાપ્રધાનના નેટ ઝિરો ઈકોનોમી સંકલ્પને અનુરૂપ ઈનિશિયેટિવ્ઝ લીધા છે,તેની પણ વિસ્તૃત ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી.તેમણે કહ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં 15 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે.રાજ્યની રિન્યુએબલ એનર્જી કેપિસિટી 20 ગિગાવોટ સુધી પહોંચી ગઈ છે.આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે પણ 100 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેશનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે.
આગામી જાન્યુઆરી-2024ની વાઈબ્રન્ટ સમિટમાં આવા નવા ઊભરતા સેક્ટર્સ રિન્યુએબલ એનર્જી,સેમિ કન્ડક્ટર,સસ્ટેઈનેબલ મેન્યુફેક્ચરિંગ,ગ્રીન હાઈડ્રોજન,ઈલેક્ટ્રિક મોબિલિટી અને ઈન્ડસ્ટ્રી 4.0.,જેવા મહત્વપૂર્ણ વિષયોના સેમિનાર અને કોન્ફરન્સ યોજવાના આયોજનની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.તેમણે વિકાસની અપાર સંભાવનાઓ માટે ગુજરાત સાથે જોડાવા ઈચ્છતા રોકાણકારો માટે 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એક સોનેરી અવસર બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ સસ્ટેઈનેબલ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ સભર ઈકોસિસ્ટમના નિર્માણમાં રોકાણકારો, ઉદ્યોગકારોના સહયોગથી વાઈબ્રન્ટ સમિટ દ્વારા સફળતા મેળવવાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.ગુજરાતની સર્વગ્રાહી વાઈબ્રન્ટ વિકાસ ગાથાનું પ્રેઝન્ટેશન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદરે પ્રસ્તુત કર્યું હતું.
આર્સેલર મિત્તલના સી.ઈ.ઓ દિલીપ ઓમેન,મારુતિ સુઝુકીના એમ.ડી. અને સી.ઈ.ઓ. હિતાષી તાકાયુષી તથા યુ.કે. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રુપ સી.ઈ.ઓ. શ્રિચાર્ડ મેકકલમે વાઈબ્રન્ટ સમિટ સંદર્ભમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.એસોચેમના પ્રેસિડન્ટ અને વેલસ્પન ગૃપના ચેરમેન બી.કે.ગોયેન્કાએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતની વ્યાપાર-કુશળતા અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલિસીયુક્ત વાતાવરણની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાત એટલે ધંધો અને ધંધો એટલે ગુજરાત એ વાત સાકાર થઈ રહી છે.આ કર્ટેન રેઈઝર મિટમાં વિવિધ ક્ષેત્રના 1500 ઉપરાંત રોકાણકારો, ઉદ્યોગકારો સહભાગી થયા હતા.