સિક્કિમમાં આવેલા પ્રચંડ પૂરમાં શનિવારે મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સિક્કિમમાંથી 26 મૃતદેહો મળી આવ્યા છે અને પશ્ચિમ બંગાળમાં તિસ્તા નદીના બેસિનમાંથી 30 મૃતદેહો મળી આવ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ અત્યાર સુધીમાં સિક્કિમમાં 26 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ભારતીય સેનાના ચાર જવાનો સહિત 16 મૃતદેહો મંગન જિલ્લામાંથી, છ ગંગટોકમાંથી અને સાત પાક્યોંગ જિલ્લામાંથી મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના જણાવ્યા અનુસાર, તેઓએ તિસ્તા નદીના બેસિનમાં સિલિગુડી, જલપાઈગુડી અને કૂચ બિહારના ત્રણ જિલ્લાઓમાંથી 30 મૃતદેહો મેળવ્યા છે. બુધવારની વહેલી સવારે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરે સિક્કિમમાં ભારે તબાહી મચાવી હતી. 25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા હતા, જેમાં 1,200 થી વધુ ઘરોને નુકસાન થયું હતું અને 13 પુલ, રસ્તાઓ અને અન્ય માળખાં ધોવાઈ ગયા હતા.
દરમિયાન, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દારૂગોળો સહિત લશ્કરી સાધનો પૂરમાં ધોવાઈ ગયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “સિક્કિમમાં ગંભીર પૂરને કારણે, હથિયારો અને વિસ્ફોટકો સહિત કેટલાક લશ્કરી સાધનો તિસ્તા નદીમાં ધોવાઈ ગયા છે. જલપાઈગુડી જિલ્લા સત્તાવાળાઓ દ્વારા લોકોને પહેલાથી જ તાકીદની માહિતી જારી કરવામાં આવી છે. સેનાએ લુકઆઉટ ગોઠવી દીધું છે. નદીનો નીચેનો ભાગમાં ટીમો ગોઠવવામાં આવી છે.” વિવિધ વિસ્તારોમાંથી 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 6,875 લોકો રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા અને શિબિરોમાં આશ્રય લેનારા તમામ લોકો માટે 2,000 રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી હતી.