અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને પોલીસ દ્વારા આખા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મહત્ત્વની બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અમદાવાદ શહેરમાં સુરક્ષાને લઇ તમામ બંદોબસ્ત પર ભાર આપવામાં આવ્યો હતો.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ:
અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવવામાં આવશે
પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે ખડે પગે:
ભારત-પાકિસ્તાનની મેચની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના દિવસે રમાવનારી ક્રિકેટ મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત:
અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે પોલીસ દ્વારા આખો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચ દરમ્યાન મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાશે.