ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામમાં આવેલી જીંડવા પગાર કેન્દ્ર શાળાની ઓચિંતી શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ શાળાના બાળકોના બાલવાટિકા અને પ્રજ્ઞા વર્ગની મુલાકાત લીધી. તેમણે વર્ગમાં ધોરણ મુજબ જુદા જુદા ધોરણના બાળકોની એકમ કસોટી તેમજ બાળકોનું લખાણ, શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે શિક્ષણમંત્રીએ જીંડવા પ્રાથમિક શાળાની બાલિકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે બાળકોને થોડો અભ્યાસ પણ કરાવ્યો હતો. બાળકોએ પણ શિક્ષણમંત્રી સાથે સાહજિક પ્રશ્નોત્તરી કરી હતી અને શિક્ષણમંત્રીની મુલાકાતથી શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા.
શિક્ષણમંત્રીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકાર બાળકોની શિક્ષણ સુવિધાઓ સુધારવા માટે કટિબદ્ધ છે. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે, આ દિવસે આપણે બધા એકસાથે પ્રતિબદ્ધ થઈએ કે આપણે બધા બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરીશું. શિક્ષણમંત્રીની આ મુલાકાતને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સકારાત્મક રીતે ગ્રહણ કરી હતી.