તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયેલા નમોત્સવ કાર્યક્રમના 17માં દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું તથા તીર્થધામ પ્રેરણાપીઠના ગાદીપતિ જ્ઞાનેશ્વરદેવાચાર્ય મહારાજનું પ્રેરણાપીઠના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. જે બાદ રાજ્યપાલે ભારત માતાના ચરણોમાં કમળનું પુષ્પ અર્પણ કર્યું હતું.
આ તકે રાજ્યપાલે મન કી બાત ભારત કી આવાજ રીલે રીડિંગ દ્વારા 24 કલાક સતત મન કી બાતના વાંચનનો જે વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઇ રહ્યો છે તે અંતર્ગત તમણે મન કી બાતના અંશોનું વાંચન કર્યું હતું. જેમાં આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો વિશે અને વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષાનું મહત્વ અંગેના વિષય પર દેવભાષા સંસ્કૃતમાં વાંચન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રના કલ્યાણના કાર્યોને પ્રેરિત કર્યું છે. તેમના આ એપિસોડ આવનાર પેઢી માટે પ્રેરણારૂપ બનશે. ભારતની ગ્રામીણ અને શહેરી જનતાએ જે ઉત્સુકતા સાથે મન કી બાત સાંભળીને પ્રેરિત થયા છે. જે પોતાનામાં એક અનોખું કાર્ય છે. તીર્થધામ પ્રેરણાપીઠએ મન કી બાતના વિષયને એક આંદોલનના રૂપમાં બનાવવાનો નિર્ણય લીધો છે. જે સરહાનીય છે. વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે પહેલાની જે રેડિયો વ્યવસ્થા છે તે મૃતપાય થઈ રહી છે. જેને જીવંત કરવાનું કાર્ય પ્રેરણાપીઠ ખાતે કરાયુ છે.પ્રેરણાપીઠ ખાતેના મન કી બાતના સતત 24 કલાક વાંચનનું કાર્યક્રમ સમાજ અને જગત માટે પ્રેરણારૂપ છે.
જણાવી દઈએ કે હમણાં સુધી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મન કી બાતનું 384 કલાકથી વધુનું વાંચન થઈ ચૂક્યું છે. 5000 થી વધુ લોકોએ મનકી બાતના અંશોનું વાંચન કર્યું છે.