વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. દસ મેચ રમાઈ ચૂકી છે અને આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અને હાઈ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICC અને BCCI દ્વારા આ મેચ માટેની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બ્રોડકાસ્ટર્સથી લઈને ચાહકો સુધી દરેક આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેને વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ માનવામાં આવી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ લઈને ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો અમદાવાદમાં આવી ચૂકી છે
આ મેચની તૈયારી માટે મુલાકાતી ટીમે ભારતીય બેટ્સમેનોનો સામનો કરવા માટે ‘ઓલ્ડ સ્કૂલ’નો અભિગમ અપનાવ્યો છે. ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરતાં પાકિસ્તાની સ્પિનરો સ્પોટ બોલિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનના લેફ્ટી સ્પિનર મોહમ્મદ નવાઝ, લેગ સ્પિનર શાદાબ ખાન અને પાર્ટ-ટાઈમ સ્પિનર ઈફ્તિખાર અહેમદે 14 ઓક્ટોબરે ભારત સામેની નિર્ણાયક વર્લ્ડ કપ મેચ પહેલા અહીં ‘સ્પોટ’ બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. આ ત્રણેય સ્પિનરોએ મુખ્ય નેટમાં બેટ્સમેનોને બોલિંગ ન કરી પરંતુ તેના બદલે બોલિંગ કોચ મોર્ને મોર્કલની દેખરેખ હેઠળ ‘સ્પોટ’ બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આ મેચને જોવા માટે દૂરદૂરથી લોકો ફ્લાઇટ્સમાં આવી રહ્યા છે. પરંતુ ઘણા ફેન્સ માટે ફ્લાઇટ્સના ભાડા ખૂબ મોંઘા હોવાથી આ મેચ જોવામાં બાધારૂપ બની રહ્યા છે. પરંતુ હવે ભારતીય રેલ્વે આવા લોકોની વ્હારે આવ્યું છે અને આ મેચને લઇને ખાસ વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરી દીધી છે. પાડોશી રાજ્યો જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની વિશેષ ટ્રેનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ માટે મુસાફરી કરનારા ફેન્સને આ ખાસ સુવિધા આપશે
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું જે હવે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડના ઘણા દિગ્ગજ સિંગરો અને કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ખ્યાતનામ સિંગર સિંગર અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પરફોર્મ કરતા જોવા મળશે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવાનું શરૂ થશે. બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે.
14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન ગુજરાત પોલીસ, NSG, RAF અને હોમગાર્ડ્સ સહિત વિવિધ એજન્સીઓના 11,000 થી વધુ જવાનોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. હાઈ વોલ્ટેજ મેચના પગલે અમદાવાદ શહેર પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેડિયમ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમથી સ્ટેડિયમની આસપાસ બાજ નજર રાખવામાં આવશે. એન્ટી ડ્રોન સિસ્ટમ, ડોગ સ્ક્વોડ સહિતની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મેચના દિવસે લોખંડી બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રહેશે. મેચના દિવસે શહેર ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત લોકલ પોલીસ, NSG સહિત સુરક્ષા એજન્સીઓ પણ બંદોબસ્તમાં રહેશે. પોલીસ બંદોબસ્ત ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવશે