આદ્ય શક્તિ અંબા ભવાનીના નવ સ્વરૂપોનું પૂજન-અર્ચન અને આરાધનાનું પરમ પાવન પર્વ એટલે નવલી નવરાત્રી.આ નવ દિવસ સુધી શક્તિ ઉપાસકો ઉપવાસ અને અનુષ્ઠાન કરશે તો વળી યુવા,વડીલ સૌ કોઈ માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘુમી માતાજી પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પ્રસ્તુત કરશે.
આજકાલ શહેરોમાં નોરતાના ગરબાના મોટા મોટા આયોજનો થાય છે.જેમાં યુવા હૈયા મન મુકીને ઝૂમી ઉઠે છે.તો ગ્રામ્ય વિસ્તારમાં પૌરાણીક ગરબી તેમજ આધૂનિક ગરબાનો સમન્વય કરીને નવરાત્રીનો આનંદ ભક્તિ-ભાવ પૂર્વક લેવામા આવે છે.આ નવ દિવસ લોકો માતાજીની આરાધના કરીને મન વાંછિત ફળ મેળવી માતાજીના આશિર્વાદ મેળવે છે.ત્યારે આપ સૌને આમારી સમસ્ત ટીમ વતી નવરાત્રીની શુભેચ્છાઓ.મા દુર્ગા સમસ્ત વિશ્વનુ કલ્યાણ કરે તેવી આ પાવન અવસરે માતાજીને પ્રાર્થના છે.
આ પાવન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૌ દેશ વાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગરવા ગુજરાતીઓને શુભકામના આપી છે.તેમણે X પર લખ્યુ કે આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામના.માતાજીના આશિષથી સૌનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ બને.. સૌના જીવનમાં દૈવી સદ્ગુણોનો સંચાર થાય.આપણું રાજ્ય અને દેશ વિકાસની નવી ઊંચાઈને સ્પર્શે તેવી પ્રાર્થના.