વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અખંડ કર્મયજ્ઞને વધાવવા તીર્થધામ પ્રેરણાપીઠનાં ગાદીપતિ જગદગુરુ સત્પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પ્રેરિત અને હર્ષદભાઈ પટેલ સંયોજિત નમોત્સવમાં નરેન્દ્ર મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમનાં નિરંતર પઠનનો 22 દિવસનો વિશ્વ વિક્રમ આજે નોંધાયો હતો.
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા,જીનીયસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પવન કુમાર સોલંકીના હસ્તે સત્પંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજને આ એવોર્ડ અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે મહારાજે જણાવ્યું હતું કે આ કાર્ય સદગુરુ હંસતેજજી મહારાજ અને ગુરુજનોની કૃપા સાથે સહુ સહયોગીઓના દિવસ રાતનાં પુરુષાર્થથી આ આયોજન સફળતા સાથે પૂર્ણ થયું.ભારતને ઉચ્ચ સ્તર પર લઈ જઈ રહેલા મોદીજીના પ્રખર અને સર્વાંગી વ્યક્તિત્વને બિરદાવવા અને તેમના પ્રેરક વિચારો ફરી એકવાર લોકો સુધી પહોંચાડી જાગૃતિની દિશામાં યોગદાન આપવા આ આયોજન કરાયું હતું જેને પુષ્કળ સફળતા સાંપડી છે.
આ તકે પ્રેરણાપીઠનાં ટ્રસ્ટી અને નમોત્સવનાં સંયોજક હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે નમોત્સવનું વિહંગાવલોકન કરીએ તો 25 સપ્ટેમ્બરને સોમવારથી 16 ઓક્ટોબર સોમવાર દરમિયાન કુલ 22 દિવસમાં 507 કલાક પઠન કરવામાં આવ્યું.7000 થી વધુ વાચકે ભાગ લીધો.76000 થી વધુ મુલાકાતીઓ આવ્યા.જેમાં 140 થી વધુ મહાનુભાવોની હાજરી,28 સંતોના આશીર્વાદ,ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવર્તજી ઉપરાંત 9 મંત્રીઓ,35 રાજકીય આગેવાનો, બે સાંસદ,12 ધારાસભ્યો,10થી વધુ ફિલ્મ કલાકારોએ હાજરી આપી.વિવિધ શાળાઓ અને અંધજનોની સંસ્થાનાં બાળકોએ પણ લાભ લીધો.30 સંસ્થાઓનાં પ્રતિનિધિત્વ રૂપે વિભિન્ન હસ્તીઓ હાજર રહી.રોજ સવાર સાંજ મળીને અંદાજીત 3000થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો.અંદાજીત 250 જેટલા સ્થાનો પરથી ઉપસ્થિતી જોવા મળી.કુલ 200 જેટલા સ્વયંસેવકોએ દિવસરાત ફરજ બજાવી.
આ પઠનનું યૂ ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરાયું હતું.છેલ્લા નવ વર્ષથી દર મહિને એકવાર વડાપ્રધાનના મન કી બાતનાં 105 એપિસોડમાં નાનાથી મોટા માણસોને સાંકળી વડાપ્રધાને કરેલી પ્રેરક વાતો પુષ્કળ લોકપ્રિય થઈ છે.
નમોત્સવ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં ફૈજપૂર મહારાષ્ટ્રના પ. પૂ મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરજી મહારાજ તથા સીમા જાગરણ મંચના પ્રદેશ મહામંત્રી શ્રી જીવણભાઈ આહીર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.