ગુજરાતના દરિયાકાંઠે તેજ વાવાઝોડું અથડાવાનું નથી એ રાહતના સમાચાર છે પરંતુ ભાજપમાં અદલા -બદલીની વાતો હાલ તો તેજ બની છે. ગુજરાતમાં દશેરા બાદ ભાજપમાં નવા જૂનીના એંધાણ છે. જેમાં છેલ્લા એક માસથી ચાલી રહેલા કોણ આવશે અને કોણ જશેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ગત અઠવાડિયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત અને ત્યાર બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાતે સરકાર અને સંગઠનના ફેરબદલની વાતને બળ પૂરું પાડ્યું છે. દેશના પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થયો હતો.આ પછી સતત અટકળો ચાલી રહી હતી કે શું રાજ્યના નેતૃત્વમાં ફેરફાર થશે? પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સી.આર.પાટીલ 2024ની ચૂંટણી સુધી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળશે.
આ પહેલીવાર હશે જ્યારે ભાજપ કર પાટીલના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડશે.વિધાનસભા ચૂંટણીમાં પોતાના મેનેજમેન્ટનો કરિશ્મા દેખાડનાર પાટીલ સામે 2014 અને 2019ની લોકસભા ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાનો પડકાર છે.
વિધાનસભાની ચૂંટણીમાં પેજ કમિટીના ઉપયોગથી તમામ રેકોર્ડ તોડી નાખનાર પાટીલે પોતાનું હોમવર્ક ખૂબ જ મજબૂત બનાવ્યું છે,તેથી પાટીલને તેમની મોટી જીતની આશા છે.આ કારણે પાર્ટીએ તેમને 2024 સુધી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી,પાર્ટી કોઈપણ ભોગે ફરીથી ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માંગે છે.
લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપમાં ફરી એકવાર બદલાવની હવાએ જોર પકડયું છે.