30 ઓક્ટોબર 2022ની એ ગોઝારી, બિહામણી સાંજને મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, ચોતરફ મરણચીસોથી ગાજતો મચ્છુ નદીનો પટ્ટ, એમ્બ્યુલન્સના સાયરનોના કાન ફાડી નાખતા અવાજો અને લોકોના ટોળેટોળા વચ્ચે બચાવો….બચાવોના શબ્દો… મોરબીની મચ્છુ હોનારત અને ભૂકંપ કરતા પણ વધુ ભયાવહ ભાસતા હતા. 135 નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ ઉપરથી સીધા જ નદીના ઊંડા અને ગંદા પાણીમાં ગરક થતા મોતને ભેંટ્યાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે.
30મી ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા કોઈના ઘરમાંથી એક, તો કોઈના ઘરમાંથી બે કે કોઈના ઘરમાંથી આઠ -આઠ અર્થીઓ ઉઠતા આખું મોરબી હીબકે ચડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને મૃતદેહો સાચવવા માટે હોસ્પિટલના શબઘર પણ ટૂંકા પડયા હતા.
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે . 135 થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે. પીડીત પરિવાર ગાંધી આશ્રમ નજીક મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ન્યાયની અપેક્ષા સાથે ધરણા ઉપર બેસ્યા છે. એક વર્ષ બાદ પણ પરિવારજનોને ન્યાય મળ્યો નથી.
આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે, મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.
ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. સમગ્ર મામલો કોર્ટમાં છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા 135 નિર્દોષ લોકોના પરિવાજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે.