વર્લ્ડ કપ 2023માં બુધવારે સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 190 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપના સાત મેચમાં સાઉથ આફ્રિકાની આ છઠ્ઠી જીત છે. ન્યુઝીલેન્ડને હરાવીને સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ભારત પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે અને 12 પોઈન્ટ સાથે ટોપ પર છે. આ સાથે જ ભારત બીજા સ્થાને સરકી ગયું છે. ભારત(+1.405) પાસે પણ 12 પોઈન્ટ છે પરંતુ દક્ષિણ આફ્રિકા (+2.290)નો નેટ રન રેટ વધુ સારો છે. એવામાં ભારત આજે શ્રીલંકા સામે ટકરાશે.
પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ICC ODI વર્લ્ડ કપમાં સતત બે પરાજય બાદ આ ટીમ 10મા સ્થાને સરકી ગઈ હતી. ભારત અને સાઉથ આફ્રિકાની હાર બાદ ટીમે સતત 4 મેચ જીતીને ટોપ 3માં જગ્યા બનાવી લીધી છે.
પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન પાંચમા અને અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે છે. બંનેના છ-છ પોઈન્ટ છે. શ્રીલંકા (ચાર પોઈન્ટ સાથે) સાતમા સ્થાને અને નેધરલેન્ડ (ચાર પોઈન્ટ સાથે) આઠમા સ્થાને છે. બાંગ્લાદેશ (બે પોઈન્ટ સાથે ) નવમા નંબરે છે. બાંગ્લાદેશની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (બે પોઈન્ટ સાથે) 10મા સ્થાને છે.