સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 નવેમ્બર) બાબા વિશ્વનાથના શહેર કાશીમાં સ્થિત વિવાદિત જ્ઞાનવાપી સંકુલના મામલામાં મસ્જિદ તરફથી કરાયેલી અરજીને ફગાવી દીધી છે. જ્ઞાનવાપી કેસને અલ્હાબાદ હાઈકોર્ટને બદલે અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે મસ્જિદ પક્ષ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
જણાવી દઈએ કે 2021થી જ્ઞાનવાપી કેસની સુનાવણી કરનાર સિંગલ જજની બેંચને પાછી ખેંચવાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસના વહીવટી નિર્ણયને અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજની બેંચ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની જગ્યા પર મંદિર ખોલવાની માંગ કરતી દાવાની જાળવણીને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીની દલીલો સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, “અમે હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આદેશમાં દખલ ન કરવી જોઈએ. હાઈકોર્ટમાં આ ખૂબ જ પ્રમાણભૂત પ્રથા છે. આ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના કાર્યક્ષેત્રમાં આવવી જોઈએ.”
વાસ્તવમાં, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી (AIMC) સિંગલ જજની બેંચમાંથી કેસ પાછો ખેંચવા અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તેને બીજી બેંચમાં ટ્રાન્સફર કરવાને પડકારી રહી હતી. અરજીને ફગાવી દેતા પહેલા CJI ચંદ્રચુડે કેસ ટ્રાન્સફર કરવાના કારણો પર વિચાર કર્યો અને કહ્યું કે તેઓ તેને ઓપન કોર્ટમાં વાંચવા માંગતા નથી.
ASI 17 નવેમ્બરે સર્વે રિપોર્ટ ફાઇલ કરી શકે છે
જણાવી દઈએ કે 30 ઓક્ટોબરે અલ્હાબાદ હાઈકોર્ટે AIMCની અરજી પર સુનાવણી 8 નવેમ્બર સુધી ટાળી દીધી હતી. 2 નવેમ્બરના રોજ, જિલ્લા કોર્ટે ASIને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ચાલી રહેલા સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ASIએ કોર્ટને કહ્યું કે તેણે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો સર્વે પૂર્ણ કરી લીધો છે, પરંતુ રિપોર્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે હજુ થોડો સમય જોઈએ. ASIએ 6 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ આપવાનો હતો, પરંતુ હવે 17 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.