કેરળમાં શનિવારે (4 નવેમ્બર) એક દુ:ખદ અકસ્માત થયો. શનિવારે બપોરે રાજ્યના કોચીમાં ચેતક હેલિકોપ્ટર ક્રેશ થતાં નૌકાદળના એક અધિકારીનું મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રનવે પર હાજર નૌકાદળના અધિકારીનું મોત હેલિકોપ્ટરના રોટર બ્લેડથી અથડાવાથી થયું હતું.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના અહીં નેવલ હેડક્વાર્ટરમાં INS ગરુડા રનવે પર થઈ હતી. પ્રાથમિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટ સહિત બે લોકો ઘાયલ થયા છે. બંનેની સારવાર નેવલ હેડક્વાર્ટરની સંજીવની હોસ્પિટલમાં ચાલી રહી છે. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર શનિવારે બપોરે 2.30 વાગ્યે નિયમિત તાલીમ દરમિયાન ક્રેશ થયું હતું. ભારતીય નૌકાદળ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. અકસ્માત બાદ કોચી હાર્બર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.