વડાપ્રધાન મોદી પર ખોટી ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને નોટીસ મોકલી છે.પંચે બંને નેતાઓને પૂછ્યું છે કે તેમણે પ્રચાર દરમિયાન લોકોને કેમ ગેરમાર્ગે દોર્યા? બંને નેતાઓને 16 નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
બે-બે પેજની નોટીસમાં ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ અને પ્રિયંકા ગાંધીને પૂછ્યું છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી ?એક અહેવાલ અનુસાર ચૂંટણી પંચે ભાજપની ફરિયાદ પર આ નોટીસ જારી કરી છે.
એક અહેવાલ અનુસાર 10 નવેમ્બરે ભાજપના એક પ્રતિનિધિમંડળે પ્રિયંકા અને કેજરીવાલ અંગે પંચને ફરિયાદ કરી હતી.ભાજપના પ્રતિનિધિમંડળે કહ્યું પ્રિયંકા પીએમ મોદીના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે,જે ચૂંટણી આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.ભાજપે પોતાની બીજી ફરિયાદમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા,જેના કારણે ચૂંટણી સમયે તેમની છબી ખરાબ થઈ હતી.
ચૂંટણી પંચ અનુસાર નોટિસનો જવાબ મળ્યા બાદ આદર્શ આચાર સંહિતા ટીમનું મૂલ્યાંકન થશે.આ પછી રિપોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલાશે.રિપોર્ટ આવ્યા પછી,મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો એક બેઠક કરશે.બેઠકમાં જવાબો અને પ્રશ્નોની વિગતવાર તપાસ કરાશે. જો આક્ષેપો સાચા જણાશે તો કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે,અન્યથા કેસ રદ કરવામાં આવશે.
ચૂંટણી પંચ મુજબ જો આક્ષેપો સાચા હોય તો શું પગલાં લેવા જોઈએ તે અંગે ત્રણેય કમિશનરો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ઘણી વખત ત્રણેય વચ્ચે સહમતિ ન હોય ત્યારે મતદાન જેવું વાતાવરણ સર્જાય છે. મતદાનના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવે છે. મોટો સવાલ એ છે કે જો વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણીના મામલામાં પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ પરના આરોપો સાબિત થાય છે તો ચૂંટણી પંચ તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે?