Stock Market Opening: શેરબજારની સ્થિતિ આજે પણ ખરાબ છે અને શરૂઆતના નબળા આંકડા રોકાણકારોની ચિંતા વધારી રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી રહી છે.
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ શરૂઆત સાબિત થયો છે. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. ત્યારે બેન્ક નિફ્ટીએ બજારને વધુ નીચે ખેંચ્યું છે અને શરૂઆતની મિનિટોમાં જ તે 400 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. ગઈકાલે આરબીઆઈએ બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓ માટે નિયમો કડક બનાવવાની જાહેરાત કરી છે. જેના કારણે આજે બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરના શેરને નુકસાન થયું છે.
બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 193.69 પોઈન્ટ અથવા 0.29 ટકાના ઘટાડા બાદ 65,788 ના સ્તર પર ખુલ્યો હતો. અને આ સાથે NSE નો નિફ્ટી 90.45 પોઈન્ટ અથવા 0.46 ટકાના ઘટાડા સાથે 19,674 ના સ્તર પર ખુલ્યો હતો.
બેંક નિફ્ટીમાં જોરદાર ઘટાડો
બેન્ક નિફ્ટીમાં 419 પોઈન્ટ્સ અથવા 0.92 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો અને તે આજે 43574ના નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. BSE પર ટોપ લુઝર્સમાં તમામ પાંચ શેરો બેન્કિંગ સેક્ટરના છે અથવા તો નાણાકીય કંપનીઓના છે. રિઝર્વ બેંક દ્વારા ગઈકાલે લેવામાં આવેલા પગલાના કારણે આગામી દિવસોમાં લોકોને પર્સનલ લોન કે પછી ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોગવાઈઓ કડક કરવાથી બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ પાસે લોન આપવા માટે ઓછી મૂડી બચશે. અને આ અસરને કારણે લોન અને ક્રેડિટ કાર્ડની સપ્લાયમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે આ સમાચારને કારણે આજે દેશની સૌથી મોટી કાર્ડ જારી કરનાર કંપની SBI કાર્ડમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અને સેન્સેક્સમાં ટોપ લોઝર એસબીઆઈ પણ છે અને તેમાં 2.40 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 209.82 પોઈન્ટ અથવા 0.32 ટકાના ઘટાડા સાથે 65772 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 85.60 પોઈન્ટ એટલે કે 0.43 ટકાના ઘટાડા સાથે 19679 ના સ્તર પર જોવા મળ્યો હતો.