છત્તીસગઢમાં પણ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સિહાવા વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ધમતરી વિસ્તારમાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યા છે. આ બ્લાસ્ટ બે અલગ-અલગ જગ્યાએ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ અણબનાવ નથી બન્યો, પરંતુ સુરક્ષાના પગલે વોટિંગ બૂથોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મતદાન શાંતિ પૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષા દળો ઉપરાંત CRPFની આખી એક બટાલિયન પણ ઉતારી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ચૂક્યું છે. આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. સાથે એમપીમાં પણ એક જ તબક્કામાં આજે સમગ્ર રાજ્યમાં ચૂંટણી થશે. મધ્ય પ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કુલ 64626 પોલિંગ બૂથ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ વોટિંગ કરાવવામાં આવશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિતનાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આગામી 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.