ટુંક સમયમાં જ દેશના માર્ગો પર મેઈડ ઈન ઈન્ડીયા ટેસ્લા કાર દોડતી જોવા મળશે. એલન મસ્કની કંપની અને ભારત સરકાર વચ્ચે આ અંગે જે વાટાઘાટ શરુ થઈ છે તેમાં હવે નિર્ણાયક સ્તર આવી ગયો છે અને આગામી વર્ષે ટેસ્લા ભારતનો પ્રથમ પ્લાન સ્થાપશે અને બે વર્ષમાં અહી ટેસ્લાનું ઉત્પાદન શરુ થઈ જાય તેવા સંકેત છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ટેસ્લાનો પ્રથમ પ્લાન ગુજરાતમાં જ આવશે.
જો કે કંપની દ્વારા મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ આ અંગે યોગ્ય સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે. બે બિલીયન ડોલરનું રોકાણ કંપની કરશે અને 15 બિલિયન ડોલરના ઓટોપાર્ટસ ભારતમાં જ બને તે માટે પણ ટેસ્લા સાથી કંપનીઓ સાથે પ્લાન સ્થાપશે. ઉપરાંત ભારતમાં જ બેટરીનું ઉત્પાદન કરવા અમેરિકી કંપનીએ તૈયારી બતાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ ગુજરાતમાં ટેસ્લાના વડા અને જાણીતા સાહસીક ઉદ્યોગપતિ એલન મસ્ક પણ હાજર રહી શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટેસ્લાના કરાર થશે.
આ માટે હાલ કેન્દ્રીય સ્તરે ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા અને વ્યાપાર તેમજ ઉદ્યોગ મંત્રાલય એકી સાથે કામ કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ભારતમાં ચીપના ઉત્પાદન માટેનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાત એ દેશની ઓટો કંપનીઓ માટે હબ બન્યુ છે. હાલમાં જ ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ એ કેલિફોર્નિયામાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેઓએ બાદમાં દિલ્હી પરત આવ્યા બાદ વડાપ્રધાનને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.