ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ODI ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન બનવાની નજીક પહોંચી ગયો છે. વર્લ્ડ કપ 2023માં તેનું પ્રદર્શન પ્રશંસનીય હતું. તેણે આખી ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 765 રન બનાવ્યા. આ જ કારણ છે કે તેની ODI રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તે 791 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
કોહલી ગિલથી થોડાક જ ડગલાં દૂર છે.
હાલમાં ODI ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન શુભમન ગિલ છે. ODI રેન્કિંગમાં ગિલના 826 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે કોહલીના નામે હવે 791 રેટિંગ પોઈન્ટ છે. દિગ્ગજ બેટ્સમેન અને ગિલ વચ્ચે હવે માત્ર 35 રેટિંગ પોઈન્ટ્સનું અંતર છે.
બાબર પણ જોખમમાં છે:
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ તાજેતરની ODI રેન્કિંગમાં બીજા સ્થાને છે. બાબરના નામે 824 રેટિંગ પોઈન્ટ છે. વિરાટ કોહલી અને બાબર વચ્ચે 33 રેટિંગ પોઈન્ટનું અંતર છે.
કેપ્ટન રોહિત શર્મા પણ ચમક્યો:
વર્લ્ડ કપ 2023માં બેટથી ધૂમ મચાવનાર ‘હિટમેન’ રોહિત શર્માએ પણ જોરદાર છલાંગ લગાવી છે. તે 769 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દરમિયાન તેના બેટથી 597 રન બનાવ્યા હતા.
બોલિંગમાં કેશવ મહારાજ નંબર-1:
બોલિંગમાં કેશવ મહારાજ નંબર-1 બોલર છે. તેના નામે 741 રેટિંગ પોઈન્ટ છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ (703)નું નામ આવે છે.
આ પછી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ ત્રીજા અને ચોથા સ્થાન પર છે. બંને બોલરોના અનુક્રમે 699 અને 685 રેટિંગ પોઈન્ટ છે. સિરાજે તાજેતરની રેન્કિંગમાં એક પોઈન્ટ ગુમાવ્યો છે.