ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયો છે અને દ્રવિડે તેનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં રસ નથી દેખાડ્યો. તેના કારણે હવે વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કોચ બને તેવું નક્કી લાગે છે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ પછી બીજા જ દિવસે, 20 નવેમ્બરે દ્રવિડનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો. તેમણે BCCIને જણાવી દીધું છે કે તેઓ કોચ તરીકે ચાલુ રહેવા માગતા નથી.
હાલમાં લક્ષ્મણ ભારતની બીજી ક્રિકેટ ટીમના હેડ કોચ છે. તેમણે ભારતની નેશનલ ટીમના કોચ બનવામાં રસ દેખાડ્યો છે અને તેઓ ગમે ત્યારે કોન્ટ્રાક્ટ કરશે. રાહુલ દ્રવિડ હવે બેંગલુરુ ખાતે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જોડાય તેવી શક્યતા છે. તેઓ એક IPL ટીમ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પરાજય સહન કર્યો તેની સાથે જ એક યુગનો પણ અંત આવી ગયો છે. ભારતીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની તે છેલ્લી મેચ હતી. દ્રવિડની જગ્યાએ હવે વેરી વેરી સ્પેશિયલ ગણાતા લક્ષ્મણ કોચની ભૂમિકા સંભાળશે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાઈઝેગ ખાતે પ્રથમ T-20 મેચ રમાવાની છે. આ સિરિઝમાં કુલ પાંચ મેચ રમાશે.
લક્ષ્મણ અત્યારે BCCIની બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ પણ છે. વર્લ્ડકપ અગાઉ આયર્લેન્ડ T20 સિરિઝમાં તેમણે હેડ કોચનું સ્થાન સંભાળ્યું હતું. ગયા વર્ષે ટી20 વર્લ્ડકપ પછી ન્યૂઝિલેન્ડ સામે વ્હાઈટ બોલની સિરિઝમાં પણ તેઓ કોચ હતા.
આગામી મહિનામાં 10 ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાવાની છે. તેના માટે ભારતીય ટીમ 4 ડિસેમ્બરે રમાવા થશે ત્યારે લક્ષ્મણ પણ તેની સાથે સાઉથ આફ્રિકા જશે. રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં બે વર્ષ માટે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 20 નવેમ્બર 2023ના રોજ તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પાંચ ટી-20 શરૂ થવાની છે. ત્યાર પછી 26, 28 નવેમ્બર, અને 1 તથા 3 ડિસેમ્બરે ટી-20 રમાશે. આ મેચિસ અનુક્રમે વાઈઝેગ, થિરુવનંતપુરમ, ગુવાહાટી, રાયપુર, અને બેંગલુરુમાં રમાશે.
ભારતના હેડ કોચ તરીકે લક્ષ્મણની વાપસી થઈ રહી છે કારણ કે 2022-23માં ફુલ ટાઈમ હેડ કોચને આરામ અપાયો હતો ત્યારે લક્ષ્મણ દ્રવિડની જગ્યાએ આવ્યા હતા. વર્ષ 2021માં લક્ષ્મણ સનરાઈઝર્સ હૈદરાબાદના મેન્ટરમાંથી નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા બન્યા હતા અને હવે તેઓ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પરત આવશે. આગામી સિરિઝમાં પારસ મહામ્બ્રેની જગ્યાએ સ્પિનર સાઈરાજ બહુતુલે બોલિંગ કોચ બનશે. જ્યારે મનીષ બાલી ફિલ્ડિંગ કોચ બનશે.