આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી કોમર્શિયલી લોન્ચ થઈ ત્યારથી તેના વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોમાં ગણગણાટ છે કે, AI ટેક્નોલોજી લોકોની નોકરીઓ ખાઈ જશે અને માનવજાતને નુકસાન પહોંચાડશે. જોકે, ટેક જાયન્ટ્સનું માનવું છે કે, AI કાર્યક્ષમતા વધારવાનું ફક્ત એક સાધન હશે અને તે નોકરીઓ છીનવવાને બદલે તેની વધુ ને વધુ તક ઊભી કરશે. માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સે હાલમાં જ વાત કરી છે કે, કઈ રીતે ટેક્નોલોજી ભવિષ્યમાં વર્કિંગ ક્લાસ લોકોને મદદ કરી શકે છે.
કોમેડિયન ટ્રેવર નોઆ સાથેના પોડકાસ્ટમાં બિલ ગેટ્સે અઠવાડિયામાં 5 દિવસથી વધુ કામ કરતાં લોકો માટે AI કઈ રીતે ઉપયોગી થઈ પડશે અને તેમને ફ્રી ટાઈમ પૂરો પાડશે તેના વિશે વાત કરી છે. AIના કારણે લોકોની નોકરીઓને ખતરો ઊભો થશે એવું પૂછાતાં બિલ ગેટ્સનું કહેવું છે કે, આ ટેક્નોલોજીના લીધે લોકોને વધુ મહેનત નહીં કરવી પડે. “AIની ટેક્નોલોજીની મદદથી છેવટે તમને એવો સમાજ મળતો હોય જ્યાં તમારે ફક્ત 3 દિવસ કામ કરવું પડે તો તેનો વાંધો નથી. એવી દુનિયા રચાશે જ્યાં મશીનો ખોરાક સહિતની વસ્તુઓ ઉત્પાદિત કરશે. રોજગારી માટે અઠવાડિયાના પાંચ દિવસથી વધુ કામ કરતાં લોકોને પણ રાહત મળશે”, તેમ ગેટ્સે ઉમેર્યું.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે બિલ ગેટ્સે AIના ફાયદા વિશે વાત કરી હોય. માર્ચ મહિનામાં તેમણે લાંબી બ્લોગ પોસ્ટ લખી હતી અને તેમાં AI ટેક્નોલોજીના લાભ વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, AIના કારણે કેટલાય ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. જોકે, આ સાથે જ તેમણે આ ટેક્નોલોજીના દુરુપયોગના જોખમો અંગે અવગત કર્યા હતા.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પોતાના કર્મચારીઓને મોકલેલા એક પત્રમાં ભારપૂર્વક કહ્યું હતું કે, AI ફક્ત એક ટૂલ છે, અંત નથી. ઓપનAIના સીઈઓ સેમ ઓલ્ટમેનને હાંકી કાઢવાના એક પત્રને ઉદ્દેશીને તેમણે આ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, અઠવાડિયામાં કામના 70 કલાકો હોવા જોઈએ. તેમના કહેવા પ્રમાણે, યુવાનોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 70 કલાક કામ કરવું જોઈએ જેથી પ્રોડક્ટિવિટી વધે અને ભારત ઝડપથી વિકસી રહેલા ચીન અને જાપાન જેવા દેશો સાથે સ્પર્ધામાં ટકી શકે. જોકે, નારાયણ મૂર્તિના આ નિવેદનના લીધે ભારે વિવાદ થયો હતો અને લોકોએ ટીકા કરી હતી.