થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં “હિન્દુઇઝમ” શબ્દ પર રોક લગાવવાનો ઠરાવ પસાર કરાયો છે. હવે હિન્દુત્વ માટે “હિન્દુઇઝમ”ની જગ્યાએ “હિન્દુનેસ” શબ્દ ઉપયોગ કરવામાં આવશે.
વર્લ્ડ હિંદુ કોંગ્રેસના ઠરાવમાં જણાવાયું છે કે વિશ્વ હિંદુ કોંગ્રેસ, વૈશ્વિક હિંદુ સમુદાય વતી, ઘોષણા કરે છે કે હિંદુત્વ, અથવા સનાતન ધર્મ, અથવા સનાતન અથવા હિંદુ ધર્મની દુર્ભાગ્યપણે જે નિંદા કરવામાં આવી રહી છે. જે હિંદુ સમાજને નિશાન બનાવવામાં માટે છે. હિન્દુત્વ પરના હુમલાએ ભલાઈ ઉપર હુમલા સમાન છે.
વિશ્વ હિંદુ કોંગ્રેસ આવા હુમલાઓની સખત નિંદા કરે છે.
આ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે કે “હિન્દુઇઝમ” સંપૂર્ણપણે અલગ છે, કારણ કે તેની સાથે “ઇઝમ” જોડાયેલ છે. “ઇઝમ” શબ્દ દમનકારી અને ભેદભાવપૂર્ણ વલણનું પ્રતીક છે.
ઓગણીસમી સદીના મધ્યમાં અમેરિકામાં “ઇઝ્મ”નો ઉપયોગ આધ્યાત્મિક અથવા ધાર્મિક અને સામાજિક સુધારણા ચળવળોને અપમાનજનક રીતે સ્થાપિત કરવા ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાથે જ વિશ્વ હિન્દુ કોંગ્રેસના ઠરાવમાં જણાવવામાં આવ્યુ છે કે “હિન્દુઇઝમ” શબ્દનો ઉપયોગ 1877માં ખ્રિસ્તી જ્ઞાનને પ્રોત્સાહન આપનાર એક સોસાયટીએ તેના એક પુસ્તકમાં કર્યો હતો. આ બૌદ્ધિક રીતે અપ્રમાણિક છે. છેલ્લા 150 વર્ષમાં ક્રુર હિન્દુ વિરોધી કથાઓ પાછળ આવી પરિભાષા જવાબદાર છે.