રવિવારે ગુજરાતમાં માવઠા-કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી મુસીબત સર્જયા બાદ આજે પણ વાતાવરણ ગોરંભાયેલુ જ રહ્યુ છે. સવારથી ઘૂમ્મસના આવરણ વચ્ચે વીઝીબીલીટી ઘટી હતી. રાજયમાં આજે પણ કમોસમી વરસાદનો દોર જારી રહ્યો હતો. ગઈકાલે વિજળી પડવા સહીતની દુર્ઘટનાઓમાં 20 લોકોના મોત નીપજયા હતા. કૃષિક્ષેત્રને ભારે મોટુ નુકશાન થયુ છે. લગ્નો સહીતનાં સેંકડો પ્રસંગો ધોવાયા હતા. રાજયના 251 માંથી 236 તાલુકામાં હળવો-ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ 6 ઈંચ વરસાદ નર્મદા જીલ્લાનાં સાગબારામાં નોંધાયો હતો. જયારે સુરત તથા ઉમરપાડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ પડયો હતો.
ગુજરાતમાં આગાહી મુજબ શનિવારથી જ હવામાન પલટો શરૂ થયો હતો. અને રવિવારે લગભગ તમામ ભાગોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ નોંધાયો હતો, તેમાં વ્યાપક નુકશાની થઈ છે. રાજયનાં જુદા જુદા ભાગોમાં વિપળી પડવા કે અન્ય વરસાદી દુર્ઘટનાઓમાં 20 લોકોનાં મોત નીપજયા હતા. સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના સુત્રોએ જણાવ્યું હતું કે દાહોદમાં સૌથી વધુ ચાર લોકોએ જાન ગુમાવ્યા હતા ભરૂચ જીલ્લામાં ત્રણ, તાપીમાં બે, અમદાવાદ, અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ખેડા,મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર તથા દેવભૂમી દ્વારકામાં એક એક વ્યકિતનું મોત નીપજયા હતા. આ ઉપરાંત ઠેકઠેકાણે પ્રસંગોનાં મંડપ-ડોમ તુટી પડવાની ઘટનાઓમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આ સિવાય અનેક સ્થળોએ વૃક્ષો તથા થાંભલા ધરાશાયી થયા હતા. તેજ પવન, ગાજવીજ અને અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હોવાથી વિવિધ ક્ષેત્રે વ્યાપક નુકશાની થઈ છે.ખેતી ક્ષેત્રને સૌથી મોટુ નુકશાન અંદાજવામાં આવી રહ્યું છે. ઉભા વાવેતર અને પાક ઢળી પડયા હતા. આ સિવાય સેંકડો ધાર્મિક-લગ્ન પ્રસંગો પણ ધોવાયા હતા. આયોજકોને ભારે દોડધામ કરવી પડી હોવાનો વખત આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાકનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. અર્થાત આજે પણ કમોસમી વરસાદનો દોર જારી રહી શકે છે.
આજે સવારથી તાપી, બનાસકાંઠા, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, જીલ્લાઓમાં હળવોથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સતાવાર રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે આજે સવારે પુરા થયેલા 24 કલાકમાં 236 તાલુકામાં ઝરમરથી ભારે વરસાદ નોંધાયો હતો. અમુક ભાગોમાં તો ચોમાસામાં પડે તેવો મુશળધાર વરસાદ પડયો હતો. નર્મદા જીલ્લાનાં સાગાબારમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ હતો સુરત તથા ઉંમરપાડા 5-5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યા હતા. માંડવીમાં 4 ઈંચ, અને સુરેન્દ્રનગરનાં ચુડામાં પણ સાડાચાર ઈંચ વરસાદ થયો હતો. 31 તાલુકામાં બે ઈંચથી વધુ અને 117 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો તેના પરથી જ માવઠાની તીવ્રતાનો અંદાજ આવી ગયો હતો.