દિવાળીના દિવસથી ઉતરકાશીમાં નિર્માણાધીન સુરંગમાં 41 મજુરો કેદ છે. તેમને બહાર કાઢવાની કવાયતમાં અનેક વિધ્નો આવી રહ્યા છે. હવે ટનલમાં ફસાયેલા મજુરોને બચાવવા ભારતીય સેનાની એન્જીનીયર રેજીમેન્ટે મોરચો સંભાળ્યો છે. તેઓ મેન્યુઅલ ડ્રીલીંગ કરશે, જયારે મજુરોને બચાવવા પહાડ પરથી 86 મીટરનું ડ્રીલીંગ થવાનું છે, જેમાં 24 મીટર ડ્રીલીંગ થઈ ચૂકયું છે. 30 નવેમ્બર એટલે કે હવે ત્રણેક દિવસમાં મજુરોને ટનલમાંથી કાઢવાને લઈને ગુડ ન્યુઝ આવી શકે છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સિલકયારા ટનલમાં છેલ્લા એક પખવાડીયાથી ફસાયેલા મજુરોને સહી સલામત બહાર કાઢવા માટે સુરંગ સુધી પહોંચવા માટે વર્ટીકલ ડ્રીલીંગ થઈ રહ્યું છે.
પીએમઓના પુર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ જણાવ્યું હતું કે વર્ટીકલ ડ્રીલીંગ થઈ રહી છે. જેમાં 20 મીટર ડ્રીલીંગ થઈ ગઈ છે. 66 મીટર ડ્રીલીંગ બાકી છે. તો બીજી બાજુ સિલકયારા સુરંગમાં અંદર ફસાયેલા મજુરોને બચાવવા હાથેથી ખોદકામ (મેન્યુઅલ ડ્રીલીંગ) હાથ ધરાયું છે. જેના માટે ભારતીય સેનાના કોર ઓફ એન્જીનીયર્સ સમૂહ (મદ્રાસ સેપર્સ)ના એક યુનિટને બોલાવવામાં આવી છે. બચાવ કાર્યમાં ઝડપ લાવવા માટે એન્જીનીયર રેજીમેન્ટના 30 જવાનો ઘટનાસ્થળે છે.
મેન્યુઅલ ડ્રીલીંગ માટે ભારતીય સેના નાગરિકો સાથે મળીને સુરંગની અંદર રેટ બોરીંગ કરશે. હથોડા અને છીણી જેવા સાધનોનો ઉપયોગથી સુરંગની અંદરના કાટમાળને ખોદશે. બાદમાં પાઈપને પાઈપની અંદર બનેલા પ્લેટફોર્મથી આગળ વધારવામાં આવશે.