વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફોર્સ 97 સ્વદેશી ફાઈટર જેટ તેજસ ખરીદવાની યોજના બનાવી રહી છે. એરફોર્સે તેજસ LCA Mk1A જેટ ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ જેટ 7 અબજ ડોલર એટલે કે 67,000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. જેનો નિર્ણય DACની બેઠકમાં તેજસ ખરીદવા પર નિર્ણય લેવાશે.
30મી નવેમ્બરે DACની બેઠક યોજાવાની છે, જેમાં તેજસ ખરીદવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 83 તેજસ ખરીદવા માટે રૂ. 46,898 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને હવે એરફોર્સ વધુ 97 તેજસ જેટ એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી રહી છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો 180 તેજસ જેટનો સમાવેશ થશે. આમ, તેજસ આગામી વર્ષોમાં ભારતીય વાયુસેનાની લડાયક શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. જેમાં 42 મંજૂર ફાઇટર સ્ક્વોડ્રનમાંથી ઓછામાં ઓછા દસ સ્વદેશી ફાઇટર જેટનું સંચાલન કરશે.
આર્જેન્ટિના, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ઇજિપ્ત જેવા દેશોએ પણ તેજસ જેટ ખરીદવામાં રસ દાખવ્યો છે. તેજસની વિશેષતાઓથી તે દેશ ખૂબ પ્રભાવિત છે, પરતું હજુ સુધી કોઈ દેશ તરફથી કોઈપણ પ્રકારની ડીલ ફાઈનલ થઇ નથી. આર્જેન્ટિનાના સંરક્ષણ પ્રધાન જોર્જ ટેનાએ HAL ખાતે તેજસ જેટની વિશેષતાઓની સમીક્ષા કરી હતી. જો કે, એવા અહેવાલો છે કે આર્જેન્ટિના સાઉથ અમેરિકાના F-16 થી વધુ પ્રભાવિત છે. અને તેના માટે સોદો પણ કરી શકે છે.
મહત્વનું છે કે તેજસ હળવા વજનના ફાઇટર એરક્રાફ્ટ છે.
તેજસને લેન્ડિંગ અને ટેક ઓફ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે. તેમાં સ્થાપિત રડારને કારણે તે હવાથી હવામાં અને હવાથી જમીન પરના હુમલામાં અસરકારક છે. એટલુ જ નહિ તેજસ ફાઇટર જેટ તમામ પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે. અને તેના 50 ટકા સ્પેરપાર્ટસ ભારતમાં જ બનાવવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે જાન્યુઆરી 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન તેજસે તેની પ્રથમ ઉડાન ભરી હતી. અટલ બિહારી વાજપેય દ્વારા જ LCAનું નામ તેજસ રાખતા તેમણે કહ્યું હતું કે તેજસ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે તેજ.