પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચારની ઘટના વારંવાર બનતી રહે છે. સાથે જ હિંદુ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની ઘણી ઘટનાઓ નોંધાય છે. ત્યાર ફરી એકવાર હિંદુઓની આસ્થા સાથે ચેડા કરવાની હરકત પાકિસ્તાનએ કરી છે. જે મામલે દારાશિકોહ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને માનવાધિકાર કાર્યકર્તા મોહમ્મદ આમિર રશીદે યુનેસ્કોને પત્ર લખીને પાકિસ્તાન સરકાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આમિર રશીદે કહ્યું કે, PoKમાં કોફી હાઉસ બનાવવા માટે પાકિસ્તાની સૈનિકો દ્વારા પ્રાચીન શારદા પીઠને તોડવાની કામગીરી કરાઇ રહી છે.જે ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પાકિસ્તાન સરકાર અહીંના લઘુમતીઓને તેમના અધિકારો અપાવવામાં નિષ્ફળ નિવડી રહી છે. અને પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળો પર બળજબરીથી ધર્મ પરિવર્તનએ સામાન્ય બાબત બની ગઈ છે. પીઓકેમાં 7 દિવસમાં બે મંદિરો તોડી પાડવાની ઘટના બની છે. યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટ જાહેર કરાયેલ શારદા પીઠને પાકિસ્તાની સેનાએ નષ્ટ કરવાની હરકત કરાઇ છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેનાએ શારદા પીઠની બાઉન્ડ્રી વોલ પણ તોડી નાખી છે. શારદા પીઠ પાકિસ્તાનના આઝાદ કાશ્મીરના નીલમ ખિનમાં સ્થિત એક ખંડેર હિન્દુ મંદિર અને શિક્ષણનું પ્રાચીન કેન્દ્ર છે. સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે.
તો આ તરફ મોહમ્મદ અમીર રશીદે યુનેસ્કોને લખેલા પત્રમાં એક અન્ય મંદિરનો પણ ઉલ્લેખ કર્યો છે જેને નુકસાન થયું છે. તેમણે માંગ કરી હતી કે યુનેસ્કોએ પગલાં લેવા જોઈએ અને પુનર્વસન અને સંરક્ષણનું કાર્ય હાથ ધરવું જોઈએ.
તમને જણાવી દઇએ કે શારદા પીઠ હરમુખ પર્વતની ખીણમાં આવેલું છે. જેને કાશ્મીરી પંડિતો શિવનું નિવાસસ્થાન માને છે. કેન્દ્ર સરકારે પ્રાચીન ‘શારદા પીઠ’ કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલવાની યોજના બનાવી છે. નવો ‘શારદા પીઠ’ કોરિડોર પંજાબમાં કરતારપુર કોરિડોરની બ્લૂ પ્રિન્ટ પર આધારિત હશે. શારદા પીઠ એ માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિરની સાથે કાશ્મીરી પંડિતો માટેના ત્રણ પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે.